ગરમીમાં ધાબા પર સૂવા જતા લોકોના મોબાઇલ ફોન ચોરતી ટોળકી ઝડપાઇ

Files Photo
રામોલ પોલીસ સ્ટેશનમાં બે મોબાઇલની ચોરી થતાં પોલીસે ગેંગનો પ્રદાફાશ કર્યો
અમદાવાદ, ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીથી બચવા માટે માટે ધાબા પર સૂવા જવાનો ક્રેઝ વર્ષોથી ચાલતો આવ્યો છે. હાલ અસહ્ય ગરમી પડી રહી છે, જેના કારણે મોટા ભાગના પરિવાર ધાબા પર સૂવા જાય છે, જેનો ફાયદો તસ્કરોએ ઉઠાવીને ચોરી કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો હતો,
જાેકે પ્લાનમાં કેટલીક હદે સફળ થયા બાદ છેવટે તે પોલીસ સકંજામાં આવી ગયા છે. પરિવાર મોડી રાતના ત્રણ વાગ્યાની આસપાસ નિદ્રાવસ્થામાં હોય ત્યારે તસ્કરો ધાબા પર જતા હતા અને ગણતરીની સેકન્ડોમાં મોબાઇલની ચોરી કરીને જતા રહેતા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની બે ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના દિવસોમાં બે ચોરની ધરપકડ કરીને નવ મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.
રામોલ વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી ભાગેશ્રી કનુભાઇ ચંદેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ભાગેશ્રી ઘોડાસર ખાતે આવેલી પી.ડી. પંડ્યા કોલેજમાં અભ્યાસ કરે છે અને એક વર્ષ પહેલાં તેણે તેના ભાઇના નામ પર મોબાઇલ ખરીદ્યો હતો. ગરમી હોવાના કારણે ભાગેશ્રી અને તેના પરિવારના સભ્યો રોજ રાતે ધાબા પર સૂઇ જાય છે.
ભાગેશ્રી પોતાનો મોબાઇલ તકિયા નીચે મૂકીને બે દિવસ પહેલા સૂઇ ગઇ હતી. બીજા દિવસે સવારના સાડા ચાર વાગ્યાની આસપાસ ભાગેશ્રી ટાઇમ જાેવા માટે ઊભી થઇ ત્યારે તકિયા નીચે રાખેલો મોબાઇલ હતો નહીં. મોબાઇલ ચોરાઇ ગયો હોવાની જાણ થતાં તેણે પોતાના પરિવારને જાણ કરી હતી અને ફરિયાદ કરી હતી. રામોલ પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
ભાગેશ્રીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ રહી હતી ત્યારે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રામોલ વિસ્તારમાં નાયલોન નેટ પ્લાનમાં રહેતા કરસનભાઇ ભરવાડે પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. બે દિવસ પહેલા કરસનભાઇ નાયલોન પ્લાનની ખુલ્લી જગ્યામાં સૂઇ ગયા હતા ત્યારે તેમણે પોતાનો મોબાઇલ ઓશીકા નીચે મૂક્યો હતો.
વહેલી સવારે તે ઊઠ્યા ત્યારે તેમનો મોબાઇલ ગાયબ હતો. કરસનભાઇએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જ્યાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બે ગુના દાખલ થતાની સાથે જ રામોલ પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી અને મોબાઇલ ચોરી કરતી ગેંગને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી.
બે આરોપીઓ ઝડપાયા ને નવ મોબાઇલ ચોરીના ભેદ ઉકેલાયા: ઉનાળામાં મોટા ભાગના લોકો ધાબા પર સૂવા માટે જતા હોવાથી ચોર ટોળકીએ તેમના મોબાઇલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો, જે પૈકી પૂર્વ વિસ્તાર જેવા કે રામોલ, વસ્ત્રાલ, મણિનગરમાં ધાબા પર જઇને મોબાઇલ ચોરી કરી લેતા હતા.
રામોલ પોલીસે ગણતરીના દિવસોમાં બે મોબાઇલ ચોરની ધરપકડ કરીને નવ મોબાઇલની ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. આ સિવાય જાે ઘરમાં જવાનો રસ્તો પણ મળી જાય તો તસ્કરો ઘરમાં ઘૂસીને દાગીના પણ ચોરી લેતા હતા. પોલીસ સકંજામાં આવેલા બંને શખ્સોએ ઘરમાંથી દાગીનાની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે.