ગરમીમાં શરીરને કુદરતી ઠંડકની સાથે-સાથે પોષણ પણ મળે એવું એક અનોખુ ફળ
બીલા કે બીલી, આમ તો બીલીના વૃક્ષથી તો ભલા કોણ અજાણ્યા હોય ? ભગવાન ભોલેનાથનું બીલીના પાન ચઢાવીને એટલે ભોલેનાથ રીઝી જાય. ઘણી વખત મંદિરોમાં બીલીના પાન સાથે બીલીનું ફળ પણ ભગવાનને અર્પણ કરેલું જાેવા મળે.
જાે તમારા આસપાસ ક્યાંય બીલીનું વૃક્ષ હોય તો અત્યારે એ વૃક્ષ બધા પર્ણો ખેરવીને ઊભેલું દેખાશે પણ સાથે-સાથે તેના પર પુષ્કળ માત્રામાં સુંદર ગોળ-ગોળ બીલીના ફળો લાગેલા નજરે ચડશે. જી હા. તપનો ઉનાળો એટલે બીલીવૃક્ષ પર ફળો આવવાની ઋતુ અને આવી ગરમીમાં જે ફળો ગુણોથી અજાણ હોય છે.
અમુકને તો એ ખબર જ નથી હોતી કે બીલીના ફળો ખાદ્ય છે અને ખૂબ સ્વાદિષ્ટ પણ હોય છે. રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં લોકો આ નો ઉપયોગ પુષ્કળ કરે છે. ત્યાં બજારમાં જ્યુસ સેન્ટર્સ પર બીલાના શરબત અને મિલ્કશેક પુષ્કળ મળે છે. આપણે ત્યાં આમ પન્ના અથવા કેરીનું શરબત બનાવીએ છીએ તેમ ઓડીશામાં બેલ-પન્ના બનાવે છે. તો ચાલો, આજે આપણે આ સ્વાદિષ્ટ અને ખૂબ જ ગુણકારી ફળ વિશે જાણીએ.
બીલી આપણું પોતાનું દેશી ફળ છે. બીલીના ફળ પૂર્ણ રૂપથી પાકે અને છાલ પીળી થઇ જાય ત્યારે ખાવાના ઉપયોગમાં લેવાના હોય છે. ફળ પાકી જાય એટલે આપમેળે વૃક્ષ તેને ખેરવી દે છે. વૃક્ષ ઉપરથી ફાળો પાડવાની જરૂર હોતી નથી કેમ કે આવા ફળો કાચા હોય છે અને આપમેળે ખરેલા ફળો જેટલા મધુર અને સ્વાદિષ્ટ હોતા નથી.
બીલીનાં ફળની બહાર કઠણ કોચલું હોય છે. એટલે વૃક્ષ ઉપરથી ખરીને જમીન પર પાડવા છતાં અંદરથી બિલકુલ સ્વચ્છ અને હાઇજેનિક રહે છે. બીલીનું ફળ પણ એક પ્રકારનું ખાદ્ય ફળ જ છે. ઉપરનું કોચલું નારીયેળ વધેરીએ તે રીતે વધેરીને ફોડી નાખવાનું રહે છે. અંદરથી ખૂબ જ મધુર, ચીકણો, સોનેરી પીળા રંગથી લઇને મધ જેવા ઘેરા રંગનો માવો નીકળે છે.
જેમાં પુષ્કળ રેષા અને અનેક ઝીણાં – ઝીણાં બીજ હોય છે. એક ધારવાળા ચમચા કે ચમચીની મદદથી કોચલામાંથી માવો છૂટો પાડી દેવાનો. અને આ માવામાં થોડું પાણી ઉમેરીને હાથેથી મસળી લેવાનું. આવું કરવાથી સરસ ઘાટો પલ્પ છૂટો પડશે. આ પલ્પમાં પુષ્કળ રેષા, બીજ અને ખૂબ ઝીણા સફેદ બીજ કે કણ જેવું મોજૂદ હોય છે.
એટલે ફ્રૂટજ્યુસ ગળવાની ગરણીથી પલ્પ ગાળી લેવાથી બિલકુલ સાફ અને પી શકાય તેવો ઘટો રસ છૂટો પડી જાય છે. આ રસને પલ્પ તરીકે, પાણી અને ખાંડ ઉમેરીને શરબત તરીકે અથવા દૂધ અને ખાંડ ઉમેરીને મિલ્ક-શેક તરીકે પી શકાય છે. સ્વાદની વાત કરીએ તો બીલીનું શરબત અને મિલ્કશેક વાસ્તવમાં ખૂબ જ સ્વાદિષ્ઠ હોય છે.
એક વખત બીલી મિલ્કશેક પીધા પછી ચીકુ મિલ્કશેક પણ એના સ્વાદ પાસે ફીક્કા લાગે ! બીલી મિલ્કશેકને ફ્રીઝમાં કૂલ્ફી તરીકે જમાવીને ખૂબ જ સ્વાદિષ્ટ આઇસક્રીમ બનાવી શકાય છે. નવાઇની વાત એ છે કે આપણે ત્યાં બીલીના પુષ્કળ વૃક્ષો હવા છતાં લોકો બિલ્વફળનો કોઇ જ ઉપયોગ કરતા નથી.
ઘણી વખત બીલુ ફોડીએ ત્યારે અમુક ભાગમાં ઘેરો બદામી અને ચીકણો મધ જેવો સ્ત્રાવ નીકળે છે. ક્યારેક અમુક ભાગ પીળો અને અમુક ભાગ બદામી કે લાલાશ પડતો નીકળે છે. આવે વખતે લોકો તેને બગડેલું સમજીને ફેંકી દે છે પરંતુ આ કુદરતી છે અને બગડેલુ હોતુ નથી. ખૂબ જૂનું ફળ અંદરથી આખું બદામી નીકળે અને તેની વાસ પણ વધુ પડતા પાકી ગયા જેવી હોય છે.
ત્યારે તે ખાવાલાયક હોતુ નથી. ઘણી વખત બીલીનું બહારનુ કોચલુ ગરમીને લીધે સૂકુ અને ખરાબ થઇ ગયુ હોય એવું થઇ જાય છે પણ બીલીનું ફળ અંદરથી બિલકુલ ફ્રેશ અને ખાવાલાયક હોય છે, એટલે બીલીને ફોડીને ચકાસી લેવું જાેઇએ. બીલીનું ફળ પૌષ્ટિક પણ છે. તેમાં ફ્રૂકટોઝ નામની શર્કરા, પ્રોટીન, રેશા, ચરબી, ખનીજક્ષારોમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્વ, પોટેશિયમ વગેરે હોય છે.