ગરમી પડતાની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીની અછત શરૂ
અમદાવાદ, કાળઝાળ ગરમી પડતાની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીનો પોકાર શરૂ થઈ જાય છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં પણ હાલ પાણીની પારાયણ જાેવા મળી રહી છે. ગામમાં છેલ્લા ૧૪ વર્ષથી સ્વજલધારા યોજનાની પાઈપલાઈન ૫૦૦ મીટર એરિયામાં બનાવવાની બાકી છે. જેના કારણે ગામમાં પાણીની સમસ્યા છે.
ગામમાં પીવાના પાણીની સમસ્યા છે સાથે સાથે સિંચાઈ અને પશુપાલન માટે પણ પાણીના ફાંફાં છે. હાલ ગામની મહિલાઓ ગામ બહાર બનેલા એક ખાનગી કૂવામાંથી પાણી લાવે છે. અધિકારીઓ અને તંત્રને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવતું નથી.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જેપુર ગામે છેલ્લા ૧૪ વર્ષથી સ્વજલધારા યોજનાની પાઈપ લાઈન ૫૦૦ મીટર જેટલા એરિયામાં બનવાની બાકી છે.
જેને કારણે એક દાયકાથી વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા જાેવા મળે છે.જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે.ગામના નળમાં પાણી ન હોય ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સીમિત પાણીનું વિતરણ કરી શકાય છે. જેમ-જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ જેપુર ગામની અંદર પાણીનો પોકાર વધશે.
વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે, તો કેટલીક વાર પાણી ન મળવાને કારણે બે થી ત્રણ કિલોમીટર દૂર ગયેલ મહિલાઓ બળબળતા તાપે ખાલી બેડા લઈ અને ઘરે પરત ફરે છે. અધિકારીઓ અને તંત્રને અનેક રજૂઆતો કર્યા બાદ પણ જેપુર ગામની પાણીની સમસ્યા હલ નથી થઈ.
કેટલાક અધિકારીઓ સામે પ્રશ્ન કરે છે કે હવે પાણી માટે શું કરી શકાય. ગામના ઉપસરપંચ કહે છે કે હું પાણીની વ્યવસ્થા સંભાળું છું. પંચાયત પાણીનો કોઈ સ્ત્રોત નથી, જેને કારણે અમુક વખત જ પાણી આપી શકું છું અને બાકીના સમયે ગામની ગાળો ખાવાનો વારો આવે છે. ઘર નળ અને ઘર ઘર પાણી જેવી સરકારની વાતો જૂઠી છે.
ગામના અન્ય એક રહેવાસી જણાવે છે કે અમારા ગામમાં પાણીનો પ્રશ્ન વરસો જૂનો છે, પીવાનું પાણી નથી તો અમારે માલઢોર કઈ રીતે પાળવા. હવે સરકાર પાણી આપે અથવા તો અમારે આત્મહત્યાની પરિસ્થિતિ ઊભી થઇ છે.SSS