Western Times News

Gujarati News

ગરમી 46 ડિગ્રીને પાર: રાજ્ય સરકારે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી

Heat breaks records: 203 days of heat wave in India this year

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૪ દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. આજે અમદાવાદમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે.

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે ૪૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગનભઠ્ઠીમાં શેકાતા અમદાવાદના રસ્તાઓ એકદમ સૂમસામ જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજૂ પણ આગામી ૪ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં, અમદાવાદ, ગાંધીનગરમાં ૨ દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને શહેરોનું તાપમાન ૪૬ ડિગ્રી પાર રહેશે.

અમદાવાદમાં આજે અધધ તાપમાનના કારણે આખું શહેર શેકાયું છે. શહેરમાં ભારે લૂને કારણે લોકોએ બહાર નીકળવા પર ધ્યાન રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ, બાળકો, વૃદ્ધો,અને બીમાર વ્યક્તિઓ ગરમીમાં પોતાને સાચવે તે માટે પણ અપીલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગરમ પવનોના કારણે કોઈ પણ બીમાર પડી શકે છે. રાત્રે ૧૦ વાગ્યે પણ ૪૦ ડિગ્રી તાપમાન હશે.

અમદાવાદમાં આજનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો છે. અમદાવાદમાં ૪૬.૬ ડિગ્રી સાથે ગરમીએ રેકોર્ડ તોડ્‌યો છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું, સુરેન્દ્રનગરમાં ૪૫.૯ ડિગ્રી, ડીસામાં ૪૫.૪ ડિગ્રી, વડોદરમાં ૪૫ ડિગ્રી અને નર્મદામાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અંબાજીએ પણ ગરમીના તમામ રેકોર્ડ તોડ્‌યા છે.

અંબાજીમાં આજે તાપમાનનો પારો ૪૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. છેલ્લાં ૫ વર્ષમાં આજે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગરમીને કારણે સ્થાનિકોના જનજીવન પર અસર જોવા મળી હતી. અંબાજીની બજારો અને રોડ સૂમસામ જોવા મળી રહ્યા છે. ૨૪ કલાકમાં સુરતમાં ગરમીથી ૧૦ લોકોના મોત અને વડોદરામાં ગરમીથી ૩ લોકોના મોત થયાના સમાચાર છે ગરમીને કારણે અનેક લોકો બીમારીમાં સંપડાઈ રહ્યા છે,

સુરતમાં કાળઝાળ ગરમીને કારણે ૨૪ કલાકમાં ૧૦ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત વડોદરામાં પણ ૩ વ્યક્તિઓનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં ૧૭ મે થી ૨૨ મે દરમિયાન ૧૦૮ માં કુલ ૧૯૦૦ જેટલા ગરમીના કારણે ઇમરજન્સી કોલ નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા ૭ દિવસમાં કુલ ૩૯૪ જેટલા હિટ સ્ટ્રોકના કિસ્સા નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.