ગરીબી નાબૂદ કરીને અને લોકોને શિક્ષિત કરીને વસ્તીને નિયંત્રિત કરી શકાય : દિગ્વિજય
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ બિલને લઈને સમગ્ર દેશમાં શરૂ થયેલી રાજકીય ચર્ચાએ હવે જાેર પકડ્યું છે. દરમ્યાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને બાબા રામદેવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.દિગ્વિજય સિંહે કહ્યું છે કે, શિક્ષિત લોકોનાં સામાન્ય રીતે ૨-૩ થી વધારે બાળકો હોતા નથી. આનું સૌથી મોટું કારણ ગરીબી છે. ગરીબી નાબૂદ કરીને અને લોકોને શિક્ષિત કરીને વસ્તીને નિયંત્રિત કરી શકાય છે. મેં આ નીતિ ૨૦૦૦ માં બનાવી હતી, ૨૧ વર્ષ પછી તેઓને આ સમજાયુ છે. આપને જણાવી દઈએ કે, અગાઉ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ યુપીની યોગી સરકાર દ્વારા લાવવામાં આવતા વસ્તી નિયંત્રણ કાયદા અંગે સવાલ ઉઠાવ્યા હતા. નીતીશે કહ્યું હતું કે, મહિલાઓને શિક્ષિત કર્યા વિના વસ્તીને અંકુશમાં લેવી મુશ્કેલ છે.
આ દરમ્યાન દિગ્વિજયસિંહે મોંઘવારી અને પેટ્રોલિયમ પેદાશોની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મોંઘવારીનાં કારણે જનતા ખૂબ નારાજ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેલનાં ભાવમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપનાં સભ્યો તેનો વિરોધ કરતા હતા. પરંતુ, હવે ઈંધણનાં ભાવ રૂપિયા ૧૧૦ ની સપાટી વટાવી ગયા છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ૩૨.૫ રૂપિયા અને પેટ્રોલ પર ૩૩ રૂપિયા કરી દીધી છે. તેઓએ જાહેરમાં લૂંટ ચલાવી છે.
યોગ ગુરુ સ્વામી રામદેવે ભારતમાં વસ્તી નિયંત્રણ અને તેના માટે કાયદા લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં વસ્તી નિયંત્રણ અંગે કાયદો લાવવો જાેઈએ. રામદેવે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી યોગી પછી હવે વડાપ્રધાન મોદીએ પણ આ અંગે કાયદો લાવવો જાેઈએ, કારણ કે માત્ર વસ્તી નિયંત્રણ દ્વારા ગરીબી દૂર થઇ શકે છે. વસ્તી નિયંત્રણ કાયદો હોવો જાેઈએ. સ્વામી રામદેવે કહ્યું કે, મોદી સરકારનાં આ કાર્યકાળમાં વસ્તી નિયંત્રણ કાયદો આવવો જાેઈએ. કારણ કે ઉત્તર પ્રદેશ અને દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો જેટલી વહેલી તકે આવશે તેટલું જ તે દેશનાં હિતમાં રહેશે. રામદેવે કહ્યું કે રાષ્ટ્રીય હિત માટે વસ્તી નિયંત્રણ જરૂરી છે. આપણે ગુણવત્તાયુક્ત વસ્તી બનાવવી જાેઈએ.