ગરીબો ગેસ છોડી ફરીથી ચૂલાનો ઉપયોગ કરવા લાગ્યા
નવી દિલ્હી: બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઓછા વિકસિત રાજ્યોના ગરીબોની પહોંચથી હવે એલપીજી સિલિન્ડર બહાર થવા લાગ્યો છે. એટલે જ તો એલપીજી કનેક્શન હોવા છતાં તેઓ તેનો ઉપયોગ નથી કરી શકતા. મોંઘા ગેસ સિલિન્ડર લેવા માટે તેમની પાસે રૂપિયા નથી. એટલે તેઓ હવે ફરીથી ચૂલા અને પ્રાઈમસનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ખુલાસો કાઉન્સિલ ઓન એનર્જી, એનવાયર્મેન્ટ એન્ડ વોટરના એક સ્ટડીમાં થયો છે.
સીઈઈડબલ્યુએ જાહેર કરેલા સ્ટડી ‘કુકિંગ એનર્જી એક્સેસ સર્વે ૨૦૨૦’માં જણાવાયું છે કે, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના શહેરી વિસ્તારોની ઝૂંપડપટ્ટીઓમાં ૮૬ ટકા પરિવારો પાસે એલપીજી કનેક્શન છે. તો પણ તેમાંથી એક તૃતિયાંશ લોકોએ એલપીજીનો ઉપયોગ બંધ કરી દીધો છે. હવે, તેઓ પ્રદૂષણ ફેલાવતા પારંપરિક ઈંધણનો ઉપયોગ કરવા લાગ્યા છે. સ્ટડી મુજબ, આવા ઘરોમાં ૧૬ ટકા પરિવાર આજે પણ પ્રદૂષણ ફેલાવતા ઈંધણનો ઉપયોગ કરે છે.
તેમાં લાકડાં, છાણાં, કોલસા અને કેરોસીનનો ઉપયોગ કરે છે. કેરોસીન તેમનું પ્રાથમિક ઈંધણ છે. સીઈઈડબલ્યુના સીઈઓ અરુનાભ ઘોષ મુજબ, ‘વડાપ્રધાન ઉજ્જવલા યોજનાના આગામી તબક્કાના ભાગરૂપે સરકારે શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં રહેતા એ ગરીબ પરિવારનો લક્ષ્ય બનાવવા જાેઈએ, જેમની પાસે એલપીજી કનેક્શન નથી.
નીતિ બનાવનારાઓએ સરકારી ઓઈલ કંપનીઓ અને ડિસ્ટ્રીબ્યૂટરોને કહેવું જાેઈએ કે, એલપીજી રીફિલની હોમ ડિલિવરી યોગ્ય રીતે કરે. તેનાથી એલપીજીનો એક્સક્લુઝીવ ઉપયોગ વધશે. તે ઉપરાંત, એલપીજી રીફિલની કિંમત વધી રહી છે, તો સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ ઉપરાંત અન્ય પરિવારોને પણ વધુ સબસિડી આપવી જાેઈએ. આ રીતે, તેમને એલપીજીનો સ્થાયી ઉપયોગ કરવા માટે સ્થાયી લાભ આપવો જાેઈએ.