ગરીબો માટે તબીબી સારવારનો ખર્ચ ઓછો કરવા અને ડોકટરોની સંખ્યા વધારવા સરકાર કામ કરી રહી છે ઃ ડો.મનસુખ માંડવિયા

નવીદિલ્હી, ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગરીબો માટે તબીબી સારવારનો ખર્ચ ઓછો થાય અને સાથે દેશમાં ડોકટરોની સંખ્યા વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
ડો.માંડવિયાએ સોમવારે નવી દિલ્હીમાં લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઓપીડી અને આઈપીડી બ્લોકના ઉદ્ઘાટન સમારોહને સંબોધન કરતાં જણાવ્યું કે, આ વર્ષે દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે.
આપણે આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યારે ભારતનું યોગ્ય આરોગ્ય માળખું તૈયાર કરવાનું લક્ષ્?ય છે. કેન્દ્રના કોઈપણ કાર્યક્રમના અમલીકરણ માટે રાજ્ય સરકારો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, કેવડિયા ખાતે ‘આરોગ્ય ચિંતન શિબિર’માં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે,
સરકાર આરોગ્ય સંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ સાથે સર્વગ્રાહી રીતે આરોગ્ય ક્ષેત્રે કામ કરી રહી છે. ગરીબો માટે તબીબી સારવારનો ખર્ચ ઓછો કરવાની સાથે ડોકટરોની સંખ્યા વધારવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ કાર્ય યોજના, કાર્યક્રમ કે યોજનાના અમલીકરણ માટે ‘જનભાગીદારી’ ખૂબ જ અગત્યની છે. આરોગ્ય સુવિધાઓ દર્દીને પરવડે તેવી અને અનુકૂળ બનાવવી ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી ડોક્ટર ભારતી પવારે જણાવ્યું હતું કે, લેડી હાર્ડિન્ગ મેડિકલ કોલેજનો એક સદી કરતા પણ વધુ લાંબો ઈતિહાસ છે અને તે સમયની સાથે પ્રગતિશીલ છે.HS