ગરીબ કલ્યાણ મેળામાં ચાની લારી કરવા માટે લારીની સહાય મળતાં આવક વધી – કલ્પેશ રાણા
પહેલાં ખુલ્લી લારી હતી જેનાથી સામાન લાવવા-લઇ જવામાં ખૂબ તકલીફ પડતી હતી – હવે તકલીફ ઓછી થઇ છે
(અહેવાલ : સંજય શાહ ) આણંદ, રાજય સરકાર દ્વારા યુવાનોમાં કૌશલ્ય અને સ્ક્રીલનો વિકાસ થાય તે માટે કૌશલ્ય કેન્દ્રો અને સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટેના વર્ગો પણ ચલાવવામાં આવી રહ્યા છે. સ્વરોજગારી કરી રોજગાર મેળવતાં ઇચ્છતા હોય કે પરંપરાગત વ્યવસાય અપનાવવા માંગતા હોય તેઓને જરૂરી સાધનો મળી રહે તે માટે રાજય સરકારના કમિશનરશ્રી કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા અમલી અને નોડલ એજન્સી તરીકે કામ કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગારી મેળવવા ઇચ્છતા યુવક-યુવતીઓ, મહિલાઓ કે પુરૂષોને તેમનો પોતાનો સ્વરોજગાર કે વ્યવસાય કરવા માંગતા હોય તે માટેના સાધનોની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. આવી જ કંઇક વાત છે, આણંદ જિલ્લાના સોજિત્રા ગામના શ્રી કલ્પેશભાઇ જયંતભાઇ રાણાની.
શ્રી કલ્પેશભાઇ રાણાને આજથી સાતેક માસ અગાઉ આણંદ જિલ્લામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ચાની લારી કરવા માટે લારી સહિત લારી બંધ કરી શકાયે તમાટેના દરવાજા સહિતની કીટ મળી હતી. શ્રી કલ્પેશભાઇ રાણાને ગરીબ કલ્યાણ મેળામાં જયારે આ કીટ મળી હતી ત્યારે તેઓના મુખ પર એક આનંદની લાગણી જોવા મળી હતી.
શ્રી રાણાની ગરીબ કલ્યાણ મેળામાં લારી મળી હતી ત્યારે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી રાણાએ કહ્યું હતું કે, અત્યાર સુધી મારી પાસે ખુલ્લી લારી રહતી જેથી મને સામાન લાવવા-લઇ જવામાં ખૂબ તકલીફ પડતી હતી. ઘણીવાર તો લારી પણ બંધ રાખવી પડતી હતી. પણ હવે મને આ લારી દરવાજા સાથે બંધ કરી શકાય તેવી મળતાં વધુ સારી રીતે સામાન લાવવા-લઇ જવામાં સારૂં રહેશે. અને લારીમાં બીજી વસ્તુઓ પણ રાખી શકાશે.
શ્રી રાણાને ગરીબ કલ્યાણ મેળામાં આ લારી મળ્યા બાદ તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું તે માટે મુલાકાત લેવામાં આવી ત્યારે તેમને આ મુલાકાત દરમિયાન કહ્યું કે, હવે હું વધુ સારી રીતે ધંધો કરી શકું છું. વરસાદના સમયમાં પણ મને તકલીફ નથી પડતી અને ચાની સાથે બીજી ચીજવસ્તુઓ પણ રાખું છું. જેથી મને રોજની સારી એવી આવક મળી રહે છે જેથી મારી આવકમાં પણ વધારો થયો છે. શ્રી રાણાએ આવકમાં વધારો થવાની ખુશી વ્યકત કરતાં સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
આમ, રાજય સરકારની માનવ કલ્યાણ યોજનાએ આવા તો અનેક પરિવારોને સ્વરોજગારીની ટૂલ કીટ આપીને અનેકના જીવનમાં ઉજાસ પાથરવાનું અને રોજગારી પૂરી પાડવાનું કામ કર્યું છે.