Western Times News

Gujarati News

ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવા આહનાના સૂચનનો વ્યાપક વિરોધ

દેશના નાગરીકોને શ્રેષ્ઠ સારવાર-શિક્ષણના બંધારણીય હક્ક છેઃ ડો.અમિત નાયક

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોને કોરોનાની શ્રેષ્ઠ સારવાર મળી રહે તે આશયથી મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. તથા ૮૦ કરતા વધુ હોસ્પિટલોમાં અંદાજે ત્રણ હજાર બેડ પર દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનએ ખાનગી હોસ્પિટલમાં ફાળવવામાં આવેલ મ્યુનિ.ક્વોટાના બેડ તેમજ હોસ્પિટલો પરના સરકારી નિયંત્રણો નાબૂદ કરવા પત્ર લખ્યો છે. આહના દ્વારા ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા અને ઓલ ુગુજરાત આયુર્વેદ મેડીકલ એસોસિએશનના મહામંત્રી ડો.અમિતભાઈ નાયકે “આહના” દ્વારા લખવામાં આવેલા પત્રનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, શહેરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકો પણ સારી અને સમયસર મેળવવા માટે હક્કદાર છે. આહનાએ ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનું સૂચન કરીને નાગરીકોના અમીર અને ગરીબ એમ બે ભાગ કર્યા છે. પશ્ચિમ અમદાવાદના ધનિક દર્દીઓ પેઈડ સારવાર લેતા હોવાથી મ્યુનિ.ક્વોટાના બેડ રદ ન થઈ શકે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ હાઉસીંગ બોર્ડ, ગરીબ આવાસ યોજના અને સેવા વસ્તીમાં હજારો નાગરીકો વસવાટ કરે છે. શહેરના દરેક નાગરીકને સારી સારવાર આપવાની જવાબદારી સરકારના શિરે છે.

“આહના” દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે. અમાનવીય છે. શહેરની હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબીબો તેમણે લીધેલા શપથ ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તબીબોએ કોઈપણ નાત-જાત કે અમીર-ગરીબના ભેદભાવ રાખવા ન જાેઈએ. દેશના બંધારણમાં તમામ નાગરીકોને સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, આરોગ્ય અને શિક્ષણના બંધારણીય હક્ક આપવામાં આવ્યા છે. કોરોના મહામારીના કારણે હજારો લોકો રોજગારી વિહોણા બન્યા છે. આવા કપરા સમયમાં પ્રાઈવેટ હોસ્પિટલના કોવિડ બેડની સુવિધા પણ લઈ લેવામાં આવશે તો ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે.

આહના દ્વારા કરવામાં આવેલ સુચન માથા-ધડ વગરના છે. તેનો અમલ કરવાથી તબીબોની તિજાેરી ભરાશે પરંતુ ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોની શુ હાલત થશે ? તે વિચારથી પણ કંપારી છુટી જાય છે. મ્યુનિ.ક્વોટામાં ધનિક લોકો સારવાર લઈ રહ્યા હોય તો તે મ્યુનિ.અધિકારીઓ અને હોસ્પિટલ સંચાલકોની ભૂલ છે. તેમની ભૂલનો ભોગ ગરીબ દર્દીઓ ન બને તેની તકેદારી સરકાર દ્વારા લેવામાં આવે તે આવશ્યક છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.