ગરીબ દિવ્યાંગ દંપતિઓના સહાયે આવતું સમાજ સુરક્ષા વિભાગ
સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ દિવ્યાંગ દંપતિ સ્વનિર્ભર બન્યું
સરકારે સહાય ન કરી હોત તો અમે અમારું ગુજરાન ન ચલાવી શકતા – કાજુભાઇ અને રમીતાબેન
“સરકારે સહાય ન કરી હોત તો અમે અમારૂ ગુજરાન ન ચલાવી શકતા.” આ શબ્દો છે ગરબાડાના અભલોડ ગામના દિવ્યાંગ દંપતિ કાજુભાઇ પલાસ અને તેમના પત્ની રમીતાબેનના. કાજુભાઇ જન્મથી જ ૮૦ ટકા દિવ્યાંગ છે જયારે તેમના પત્ની રમીતાબેન પણ જન્મથી જ ૬૦ ટકા દિવ્યાંગ છે. એકબીજાને સહારે ચાલતા આ દંપતિેની લાકડી બન્યું છે જિલ્લાનું સમાજ સુરક્ષા વિભાગ. વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ દિવ્યાંગ દંપતિ આર્થિક રીતે સ્વનિર્ભર બન્યું છે.
સયુક્ત પરિવારમાં રહેતા કાજુભાઇના પરિવારમાં તેમના માવતર, પત્ની તથા એક બાળકનો સમાવેશ થાય છે. કાજુભાઇ અને રમીતાબેને લગ્ન કર્યા બાદ સૌથી મોટી સમસ્યા હતી ઘર કેમ ચલાવવું ? બંને દિવ્યાંગ હોય રોજગારી માટેના વિકલ્પો આમ પણ ઓછા હતા. નાનો મોટો ધંધો કરવા માટે પણ થોડી ઘણી મૂડી જોઇએ એ પણ તેમની પાસે નહતી.
આવા કપરા સમયમાં તેમને સરકાર તરફથી ચાલતી દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની જાણ થઇ. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી આર.પી.ખાંટાએ તેમને દિવ્યાંગો માટે સરકાર તરફથી ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપ્યુ. કાજુભાઇએ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરતા દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ આ દંપતિને સરકાર તરફથી એક લાખ રૂપીયાની સહાય કરવામાં આવી. સરકારની સહાયની રકમથી કાજુભાઇએ ઘરમાં જ કરીયાણાની દુકાન ખોલી. ઉપરાંત સરકાર તરફથી મળતી દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લઇ સાયકલ તથા હાથલારી મેળવી છે.
દુકાનનો સામાન લાવવા માટે સાયકલ ઉપયોગી થાય છે અને હાથલારીમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. કાજુભાઇ ૮૦ ટકા દિવ્યાંગ હોય સંત સુરદાસ યોજના અંતર્ગત રૂપીયા ૬૦૦ ની સહાય દર મહિને મળે છે. આમ સરકારી યોજનાઓનો લાભ મળતા કાજુભાઇ અને રમીતાબેન માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું સરળ બન્યું છે. સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મળતા અનેક દિવ્યાંગ દંપતિઓ આર્થિક રીતે સ્વનિર્ભર બન્યા છે. (સાફલ્ય ગાથા – મહેન્દ્ર પરમાર)