ગરીબ લાભાર્થીઓ માટે મફત ઉજ્જવલા LPG સિલિન્ડરો મહત્તમ સંખ્યામાં પહોંચાડાશે
ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા 1000થી વધુ LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો
નવી દિલ્હી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના 1000 કરતા વધારે LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
લૉકડાઉનના સમયમાં પણ ગ્રાહકોને તેમના ઘર સુધી LPG સિલિન્ડરોની ડિલિવરી પહોંચાડવા માટે વિતરકોએ કરેલી કામગીરીને બિરદાવવા સાથે તેમણે સૌને અપીલ કરી હતી કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબોને સહાય કરવા માટે જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને ત્રણ મફત LPG સિલિન્ડરની ડિલિવરી મહત્તમ સંખ્યામાં કરવા માટે તેઓ વધુ સક્રીય બને.
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે LPG સિલિન્ડરોના સેનિટાઇઝેશન સહિત તેની ડિલિવરીમાં રાખવામાં આવતી તમામ તકેદારીઓની તેમજ ડિલિવરી બોય અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જે પગલાં લેવામાં આવે છે તેની પણ પ્રશંસા કરી હતી. તેમણે વિતરકોને કહ્યું હતું કે, મહામારીને દેશમાંથી ખતમ કરવા માટે તેઓ સતત તેમના ડિલિવરી બોય અને તેમના મારફતે ગ્રાહકોમાં ફેસ માસ્કનું મહત્વ, આરોગ્ય સેતૂ એપ્લિકેશન, હાથ ધોવા તેમજ સામાજિક અંતરના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગ્ર હરોળમાં લડી રહેલા યોદ્ધાઓ એટલે કે, ડિલિવરી બોય ગ્રાહકોમાં આ માહિતીનો પ્રસાર કરવા માટે અસરકારક પૂરવાર થયા છે. તેમણે વિતરકોને વિનંતી કરી હતી કે, બીમારીનો ચેપ ફેલાતો રોકવા માટે તેઓ સામાજિક અંતરના SOPના અનુપાલન, સેનિટાઇઝેશન અને કાર્યસ્થળે સ્વચ્છતાના સારું કાર્ય ચાલુ જ રાખે. તેમણે વધુમાં એવી પણ વિનંતી કરી હતી કે, તેઓ અગ્ર હરોળમાં લડી રહેલા યોદ્ધાઓ પ્રત્યે સહાનુભૂતિશીલ રહે અને તેમની શક્ય એટલી વધુ કાળજી લે. PIB AHmedabad