Western Times News

Gujarati News

ગર્ભવતી મહિલાને ઊંચકી ૮ કિમી ચાલતા હોસ્પિટલ લઈ ગયા

ખમઘાટ ગામથી રાનીકાજલ સુધી કપડા અને વાંસની સ્ટ્રેચર પર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ

બડવાની, સરકારી દાવાઓથી વિરુદ્ધ આજે પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક એવા ગામડા છે જ્યાં અવરજવર માટે રોડ નથી. વ્યક્તિ બીમાર થાય તો તેના ઘર સુધી એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી. વરસાદ હોય ત્યારે તો આ લોકોની સમસ્યામાં વધારો થઈ જાય છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાથી એક આવી જ ઘટના સામે આવી છે. રોડ ના હોવાને કારણે ગામના લોકો આઠ કિલોમીટર સુધી ચાલીને ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ ગયા.

આ ઘટના ગુરુવારની છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જાેઈ શકે છે કાપડની સ્ટ્રેચર બનાવીને મહિલાને લઈ જવામાં આવી રહી છે.

ખમઘાટ ગામથી રાનીકાજલ સુધી કપડા અને વાંસની સ્ટ્રેચર પર ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી છે. મહિલાને લઈ જનારા લોકો તેના પરિવારના સભ્યો અને ગ્રામીણો હતા.

ગ્રામીણ રાય સિંહે જણાવ્યું કે, મહિલાને ખમઘાટથી રાનીકાજલ સુધી આઠ કિલોમીટર સુધી અસ્થાઈ સ્ટ્રેચર પર લઈ જવામાં આવી. ત્યારપછી રાનીકાજલથી મહિલાને એમ્બ્યુલન્સમાં પાનસેમલ હોસ્પિટલ લઈ જવામાં આવી. અમે લાંબા સમયથી ગામ સુધી રોડ બનાવવા માટે અરજી કરી રહ્યા છીએ પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.

રોડના અભાવે વાહન ગામ સુધી નથી પહોંચતા, માટે હોસ્પિટલ સુધી પહોંચવામાં સમસ્યા સર્જાય છે. પાનસેમલ વિકાસ ખંડના આરોગ્ય અધિકારી ડોક્ટર અરવિંદ કિરાડેએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, સ્વાસ્થકર્મીઓએ મહિલાના પરિવારને તેને સરકારી હોસ્પિટલ લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા. તેની અત્યારે પાનસેમલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વાયરલ વીડિયોને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો જિલ્લા પંચાયતના સીઈઓ ઋતુરાજ સિંહે કહ્યું કે, તે સંબંધિત વિભાગ સાથે આ મુદ્દાની ચર્ચા કરશે. વન્ય વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં રોડના નિર્માણ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવવી મુખ્ય સમસ્યા છે. હું પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડના નિર્માણ માટે સંબંધિત વિભાગ સાથે વાત કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.