ગર્લફ્રેન્ડ સાથે વાત કરવાથી રોક્યો તો નારાજ પુત્રએ પિતાની હત્યા કરી

Files Photo
ઔરૈયા: ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક પુત્રએ પોતાના પિતાની ત્રિશુળ મારીને ર્નિમમ હત્યા કરી છે. પિતાનો ફક્ત એટલો વાંક હતો કે તેમણે પુત્રના પ્રેમનો વિરોધ કર્યો હતો. આ ઘટના પછી પુત્ર ફરાર થઇ ગયો છે. ઇજાગ્રસ્ત થયેલા પિતાને પરિવારજનો સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ ગયા હતા પણ ત્યા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટના ઔરૈયાના અજીતમલ કોતવાલીના ભીખેપુરની છે. અહીં અરવિંદ કુમાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. અરવિંદને ૧૧ સંતાનો છે, જેમાં ૧૦ પુત્ર અને એક પુત્રી છે. અરવિંદ કુમારના પાંચમા નંબરના પુત્ર શિવમનું કોઇ યુવતી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જેને લઇને પિતા અરવિંદ વિરોધ કરી રહ્યા હતા. આ વાતથી પિતા અને પુત્ર વચ્ચે રકઝક ચાલતી હતી. શિવમ પોતાના પિતાથી નારાજ હતો.
પુત્ર પ્રદીપે કહ્યું કે ચાર દિવસ પહેલા પ્રેમ પ્રકરણને લઇને પિતાએ શિવમને ના પાડી હતી. જેનાથી શિવમ નારાજ હતો. સોમવારની રાત્રે શિવમે પાસમાં રહેલા મંદિરમાંથી ત્રિશુળ લાવીને ઊંઘી રહેલા પિતા અરવિંદની હત્યા કરી નાખી હતી. આ પછી ફરાર થઇ ગયો હતો. ત્રિશુળ વાગવાથી પિતા ઇજાગ્રસ્ત થયા હતા અને ચિલ્લાયા હતા. તેમનો અવાજ સાંભળીને બધા પિતાની રૂમમાં પહોંચ્યા હતા. જ્યા તે લોહીલુહાણ હાલતમાં હતા.પિતા અરવિંદને સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા. જ્યા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ અજીતમલ કોતવાલી પોલીસે લાશને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આરોપી શિવમની શોધ શરૂ કરી છે.