ગલવાનમાં પોતાના સૈનિકો મર્યા હોવાની ચીનની ભારત સમક્ષ પહેલી વખત કબૂલાત
નવી દિલ્હી, ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષમાં ચીનના જવાનો માર્યા ગયા હોવાની કબૂલાત ચીને પહેલી વખત ભારત સમક્ષ કરી છે. મળતી વિગતો પ્રમાણે ચીને ભારત સાથેની વાટાઘાટો દરમિયાન કબૂલ્યુ હતુ કે, અમારા પાંચ સૈનિકો માર્યા ગયા હતા.સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે 15 જુને ગલવાન ખીણમાં થયેલી ઝડપ બાદ પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા તેનો આંકડો ચીને પહેલી વખત જાહેર કર્યો છે.
આ ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.ચીને એ પણ માન્યુ છે કે, મરનારામાં એક ટોચનો અધિકારી પણ સામેલ હતો.જોકે સરકારી સૂત્રોનુ કહેવુ છે કે, ચીન ક્યારેય સાચો આંકડો જાહેર નહી કરે, જો ચીન એમ કહેતુ હોય કે તેના પાંચ સૈનિકો માર્યા ગયા છે તો આ આંકડો ત્રણ ગણો તો હશે જ.
2017માં ડોકલામમાં થયેલા ટકરાવ બાદ ચીને એલએસી પર ઘૂસણખોરીની યોજના બનાવી હતી અને તે પ્રમાણે પેટ્રોલિંગ પાર્ટીમાં 20થી વધારે સૈનિકો ના હોવા જોઈએ તે કરારનો ભંગ કરીને દરેક પેટ્રોલિંગ પાર્ટીમાં 100 સૈનિકો મોકલવા માંડ્યા હતા.જેની સામે ભારતે સંખ્યાબંધ વખત વાંધો ઉઠાવ્યો હતો પણ ચીને આ બાબત પર ધ્યાન આપ્યા નહોતા.