ગલુડિયામાં પણ પરમાત્માના દર્શન કરતું સંવેદનશીલ ફાયર બ્રિગેડ
ગાંધીનગર ફાયર બ્રિગેડ નો સમગ્ર સ્ટાફ અત્યંત સંવેદનશીલ છે. કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવાનો હોય કે જીવતી જાગતી ગાયને ઊંડા ખાડામાંથી બહાર કાઢવાની હોય, તો ગાંધીનગર ફાયર બ્રિગેડ ચીફ ઓફિસર મહેશ મોડ અને તેમનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી જતો હોય છે.
એટલું જ નહીં મૃતદેહને પણ જીવતા મનુષ્યની માફક, લાગણીપૂર્વક હળવેથી બહાર કાઢી, ધીમે રહીને જમીન ઉપર સુવડાવવામાં આવે ત્યારે ફાયર બ્રિગેડ ની સંવેદનશીલતાના દર્શન થયા વગર રહેતા નથી. આવો જ કિસ્સો આજે બુધવારે સવારે બનવા પામ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર 12 ખાતે આવેલા વિશ્વકર્મા મંદિરની નજીકમાં આવેલી ખાલી અને ખુલ્લી ગટરમાં એક ગલુડિયું પડી ગયું હતું. ઘણા લાંબા સમય સુધી ગલુડિયા એ ગટરમાંથી બહાર આવવાના પ્રયત્નો કર્યા. અનેક પ્રયત્નો છતાં નિષ્ફળતા મળતા નિરાશ થઈને ગલુડીયું ગટરમાં બેસી ગયું.
આ ગલૂડિયાની સ્થિતિ જોઈને એક લાગણી સભર વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી. આ મેસેજ મળતા જ સંવેદનશીલ સ્ટાફ ગલુડિયા ને બચાવવા માટે પહોંચી ગયો હતો. જ્યાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ ગલૂડિયાને સંભાળપૂર્વક બહાર કાઢવામાં આવ્યું હતું.