ગલ્લા બંધ થવાની અફવાના પગલે પાન-મસાલાના કાળાબજાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેને કારણે નાગરીકોમાં ફફડાટ છે. જાે કે અનલોકમાં એકંદરે કેસોની સંખ્યા ઘટી જરૂર રહી છે. પરંતુ કોરોનાને લીધે જનજીવન ભલે રાબેતા મુજબનું થયુ છે. પણ શહેરીજનોના મનમાં હજુ ડર છે.
પાછલા ઘણા દિવસોથી દેશના બીજા રાજ્યોમાં લોકડાઉન લંબાવાયુ છે. જ્યારે ગુજરાતના જુદા જુદા તાલુકા મથકોએ નાગરીકો- વેપારીઓ સ્વેૈચ્છીક રીતે કામકાજના કલાકો ઘટાડી રહ્યા છે. એટલે કે સ્વેેચ્છીક લોકડાઉનનો જાણે કે અમલ થઈ રહ્યાની પ્રતીતિ થઈ રહી છે. આ તમામ ઘટનાક્રમની વચ્ચે અમદાવાદ શહેરમાં અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યુ છે. ગઈકાલની પાનના ગલ્લા બંધ થશે એવી અફવાઓ શરૂ થતાં પાન-મસાલાના શોખીનો ગલ્લાઓ પર ઉમટી પડ્યા હતા.
બીજી તરફ સવારથી જ માવાના શોખીનોએ લાઈન લગાવી દીધી હતી. જ્યારે અફવાનો લાભ લઈને પાનના ગલ્લાવાળાઓએ કાળાબજારની શરૂઆત કરી દીધી હતી. પાન-મસાલાના જે રૂટીન ભાવ હતા તેમાં અચાનક જ ઉછાળો આવી ગયો હતો. ગઈકાલથી જ શહેરી વિસ્તારમાં પાનના ગલ્લા બંધ થશે એવી જાેરદાર અફવા શરૂ થઈ હતી. પાન-મસાલાના શોખીનો પાનના ગલ્લાઓ પર ઉમટી પડ્યા હતા. સવારે જે લોકો પાન-મસાલાની પડીકી તથા માવો લેવા ગયા ત્યારે અચાનક ભાવ વધારો થયેલો જાેવા મળ્યો હતો. જાે કે અમુક ગલ્લાવાળાઓએ તો રૂટીન પ્રમાણે જ ભાવ લીધો હતો. હોલસેલની દુકાનમાં પણ પાન-મસાલાનો સ્ટોક ખતમ થઈ ગયો હતો. પાનના ગલ્લાવાળાઓ હોલસેલ વેપારીઓ પાસેથી માલ લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે લોકડાઉનમાં ગલ્લાબંધ રહેવાને કારણે ઘણા લોકો પાન-મસાલાથી વંચિત થઈ ગયા હતા. પરંતુ પાન-મસાલાના શોખીનો ગમે તે રીતે મેનેજ કરી લેતા હતા. તેમને માવો ઉપલબ્ધ થઈ જતો હતો. તે સમયે પણ પાન-મસાલાના કાળા બજાર થયા હતા. હોલસેલ વેપારીઓ અને છૂટક પાનના ગલ્લાવાળાને બખ્ખંબખ્ખા થઈ ગયા હતા અને સારા એવા રૂપિયા કમાઈ લીધા હતા. હવે ફરીથી પાનના ગલ્લા બંધ થવાની અફવાઓએ જાેર પકડ્યુ છે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ધીમે ધીમે ગામડાઓ સુધી કોરોનાનો ફેલાવો વધ્યો છે. જેને જાેતાં વહીવટી તંત્રએ સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓ-ગામડાઓમાં પાનના ગલ્લા- ચાની કીટલીઓ બંધ કરાવી દીધી છે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં પાનના ગલ્લા ચાની કેીટલી તથા બજારોના સમયમર્યાદામાં ઘટાડો કરાયો છે. જ્યાંથી કોરોના વધારે ફેલાય છે એવા પાનના ગલ્લા-ચાની કિટલીઓ બંધ કરાતા અમદાવાદમાં પણ પાનના ગલ્લા બંધ થશે એવી અટકળો શરૂ થઈ હતી. ત્યારપછી અફવાએ જબરજસ્ત જાેર પકડ્યુ હતુ. અને શહેરી વિસ્તારમાં અફવા પ્રસરી જતાં લોકોએ પાન-મસાલા મેળવવા પડાપડી શરૂ કરી દીધી હતી.
તો પાનના ગલ્લાવાળા સ્ટોક કરી લેવા હોલસેલ વેપારીઓને ત્યાં દોડયા હતા. એક તબક્કે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. હોલસેલ વેપારીઓને ત્યાં ‘નો સ્ટોક’ના પાટીયા લાગી ગયા હતા. તો પાનના ગલ્લાવાળાઓએ તો પાન-મસાલા-માવાના કાળા બજારની શરૂઆત કરી દીધી હતી. લોકોએ વધારે પૈસા આપીને પણ પોતાને જાેઈતી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવાની શરૂઆત કરી હતી. તાજેતરમાં રાજ્ય સરકારે પાનના ગલ્લા પર પાન-મસાલા ખાઈને થુંકનારા સામે કાર્યવાહી તો કરાશે જ તથા પાનના ગલ્લાવાળાઓ નીતિનિયમનું પાલન નહીં કરે તો દસ હજાર રૂપિયાના દંડની જાેગવાઈની જાહેરાત કરી હતી. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે રાજ્ય સરકાર નિયમોને વધુ કડક બનાવવા તરફ આગળ વધી રહી છે.
શહેરમાં પાન-મસાલાને લઈને અફવાઓનું બજાર ગરમ છે. કામકાજના કલાકોમાં ઘટાડો કરીને દુકાનો- ઓફિસો સવારના ૮ થી ૪ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય વેપારી એસોસીએશનો કરનાર છે તે પ્રકારની અફવા પણ ચાલી રહી છે. પરંતુ આ એક અફવા જ છે એવું સત્તા તંત્ર જણાવે છે. વેપારીઓ પોતાની જાતે સ્વેૈચ્છીક નિર્ણય લે તો અલગ વાત છે. પણ શહેરી વિસ્તારમાં કોરોનાના ફફડાટથી અનેક પ્રકારની અફવાઓનો દોર ચાલ્યો છે. સમજુ નાગરીકોએ અફવાઓ તરફ ધ્યાન ન આપવુ ં જાેઈએ.