ગાંજાની વાત આર્યન સાથે મજાકમાં કરી હતી: અનન્યા
મુંબઈ, આર્યન ખાન સાથેની કથિત ડ્રગ ચેટ મળી આવતાં ૨૧ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ એક્ટ્રેસ અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવી હતી. આર્યન ખાનના મોબાઈલમાંથી મળી આવેલી વોટ્સએપ ચેટના આધારે અનન્યા પાંડેને પૂછપરછ માટે બોલાવાઈ હતી. હવે ગુરુવારે થયેલી પૂછપરછમાં અનન્યાએ શું જણાવ્યું હતું તેની વિગતો સામે આવી છે.
એક અહેવાલ મુજબ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અનન્યા પાંડેને આર્યન ખાન સાથેની ચેટ્સ બતાવી હતી. જેમાં આર્યન અનન્યાને પૂછે છે કે, શું તે ડ્રગ્સનો જુગાડ કરી શકે છે? ત્યારે અનન્યા કહે છે કે, તે કરી આપશે. કથિત રીતે આર્યન અને અનન્યા ગાંજા વિશે વાત કરી રહ્યા હતા.
આ ચેટ વિશે એનસીબીએ પ્રશ્ન કરતાં અનન્યાએ કહ્યું કે, આ વાતો તેણે મજાકમાં કહી હતી. આ મીડિયા રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, અનન્યાએ આર્યનને ડ્રગ્સની વ્યવસ્થા કરી આપી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે જ એનસીબી એવો પણ દાવો કર્યો છે કે, ચેટમાં આર્યન અને અનન્યા નિયમિતપણે ડ્રગ્સ વિશે ચર્ચા કરતા હતા.
સૂત્રોનું માનીએ તો, અનન્યા પાંડેએ તેના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે અને ડ્રગ્સ ના લેતી હોવાનું કહ્યું છે. ૨૧ ઓક્ટોબરે એનસીબીએ લગભગ ચાર કલાક સુધી અનન્યાની પૂછપરછ કરી હતી. એનસીબીએ અનન્યાનું લેપટોપ અને મોબાઈલ પણ જપ્ત કર્યા છે પરંતુ તેમણે આ અંગેની પુષ્ટિ કરવાનો ઈનકાર કર્યો હતો. ગુરુવારે અનન્યા પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઓફિસે પહોંચી હતી.
શુક્રવારે (૨૨ ઓક્ટોબર) પણ અનન્યાને એનસીબીએ પૂછપરછ માટે બોલાવી હતી. ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના કેટલાક અધિકારીઓ અનન્યાના ઘરે સમન્સ પાઠવવા પહોંચ્યા હતા. ત્યારે એક અધિકારીએ કહ્યું હતું, જ્યારે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કે તપાસ માટે કોઈ વ્યક્તિને મળે છે તેનો અર્થ એ નથી થતો કે તે વ્યક્તિ ગુનેગાર છે કે તેની તપાસ થઈ રહી છે. આ પ્રક્રિયા છે જેનું અમારે પાલન કરવાનું હોય છે.
દરમિયાન, ૨ ઓક્ટોબરે મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પરથી પકડાયેલો આર્યન ખાન હજી પણ જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે. આર્યન ખાનની જ્યૂડિશિયલ કસ્ટડી ૩૦ ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. સેશન્સ કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા બાદ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ૨૬ ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ આર્યનની જામીન અરજી પર સુનાવણી કરશે. હાલ આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. ગુરુવારે શાહરૂખ ખાને આર્થર રોડ જેલ જઈને દીકરા સાથે મુલાકાત કરી હતી.SSS