ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા શખ્શે વૃધ્ધની હત્યાનો પ્રયાસ કર્યો
ઘાયલ વૃધ્ધે પ્રતિકાર કરતાં હુમલાખોર ભાગ્યો- પોલીસે સીસીટીવી કુટેજ મેળવી તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન નજીક આવેલા એક કોમ્પલેક્ષમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સે મંગળવારે મોડી રાત્રે જીવલેણ હુમલો કર્યો હતો. વૃધ્ધ ખાટલા ઉપર સુતા હતા ત્યારે અચાનક જ બાઈક ચાલક આવ્યો હતો અને તેમને છરીના આડેધડ ઘા માર્યા હતા બાદમાં ગળા પર છરી મારવા જતાં વૃધ્ધે પોતાનો બચાવ કરવા ઝપાઝપી કરી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અરવિંદભાઈ રાણા જુના વાડજ, સોરાબજી કંપાઉન્ડ ખાતે તુલસીનગરમાં રહે છે અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની સામે આવેલા મયુર ચેમ્બર્સમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે રપ વર્ષથી નોકરી કરે છે સોમવારે સાંજે પણ ૬૧ વર્ષીય અરવિંદભાઈ રાબેતા મુજબ નોકરીએ આવ્યા હતા અને રાત્રે ખાટલો પાથરી સુઈ ગયા હતા જયારે મધરાત્રે અચાનક એક શખ્શ છરી લઈને તેમની નજીક આવ્યો હતો
અને અચાનક જ છરી પેટમાં માર્યા બાદ છાતી, પેટ સહિત ઘણી જગ્યાએ ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અચાનક થયેલા હુમલાથી અરવિંદભાઈએ બુમાબુમ કરી મુકી હતી દરમિયાન પચીસેક વર્ષના અજાણ્યા શખ્શે તેમના ગળા પર છરી મારવા જતાં અરવિંદભાઈએ જીવ બચાવવા તેનો હાથ પકડી લીધો હતો જેથી ચપ્પુ વડે ચહેરા પર ઈજા પહોંચી હતી.
ઘાયલ અરવિંદભાઈએ વધુ બુમો પાડતાં હુમલાખોર ભાગી ગયો હતો અને થોડે દુર અંધારામાં મુકેલી મોટરસાયકલ લઈ અંધારામાં ઓઝલ થઈ ગયો હતો અવાજ સાંભળી નજીક રહેતી એક મહીલા ઘાયલ અરવિંદભાઈની મદદે આવી હતી. જેણે રીક્ષામાં તાત્કાલીક તેમને વી.એસ. હોસ્પિટલે પહોચાડયા હતા
જયાંથી સિવિલ હોસ્પિટલમાં જતાં ડોકટરોએ તેમની તાત્કાલીક સારવાર શરૂ કરી હતી.બાદમાં તેમણે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ અંગે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજપુતે જણાવ્યું હતું કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ પણ મેળવવામાં આવ્યા છે.