Western Times News

Gujarati News

ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે વેચાણ ઉપર ર૦ ટકા ગ્રાહકોને વળતર અપાશે

રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ પરિવારોને  વ્યાપક રોજગારી મળે તે માટે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનસ્પર્શી નિર્ણય

ગાંધી જ્યંતિ તા. ર- ઓકટોબર-ર૦૧૯ થી  તા. ૩૧-ડિસેમ્બર-ર૦૧૯ સુધી વળતરનો લાભ ગ્રાહકોને મળશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી નિમિત્તે આ વર્ષે તા. ર ઓકટોબર-ર૦૧૯ થી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૯ દરમ્યાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર ર૦ ટકા વિશેષ વળતરની જાહેરાત કરી છે.

‘ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન’ના મંત્ર સાથે ખાદીને વ્યાપક સ્વીકૃતિ મળે, લોકો ખાદી વપરાશ અને ખાદી ખરીદી પ્રત્યે આકર્ષાય તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ-અંતરિયાળ કારીગરો અને પરિવારોને વધુ રોજગારી મળે તે માટે આ સંવેદનાસ્પર્શી નિર્ણય શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.

મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય સુસંગત બની રહેવાનો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ/મંડળીઓએ ગ્રાહકોને ર૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે.

એટલું જ નહિ, આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી પ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી ૧૬પ જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. ૧૩૬ કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦ના આ નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.