ગાંધીજી એ વ્યક્તિ નહીં પણ એક વિચાર હતા : મુખ્યમંત્રી
અમદાવાદ, ગાંધી સંકલ્પ યાત્રાના સમાપન અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, ગાંધીજી એ વ્યક્તિ નહીં પણ એક વિચાર હતા સાથે એક વિદ્યાપીઠ પણ રહ્યા હતા. ગાંધીજીએ જે વિચારો પ્રસ્તુત કર્યા છે તે આજે સમગ્ર દુનિયામાં અર્નિવાય બની ગયા છે. ગાંધીજીના વિચારો છેવાડાના માનવી માટે ઉપયોગી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આજે ઐતિહાસિક સાબરમતી આશ્રમ અને એ સાબરમતીનો તટ જ્યાંથી સાબરમતીના સંત એટલે કે ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું હતું ત્યાં આજે ગાંધી સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ત્યારે આ અવસર સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની વાત છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહના સંસદીય શ્રેત્રમાં આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, ગાંધીજીએ છેવાડાના માનવીઓને કેન્દ્ર સ્થાનમાં રાખીને તેની ચિંતા કરી હતી. ગાંધીજીએ ગરીબોની ગરીબાઇ જોઇને પોતાના વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો અને એક પોતડી પહેરીને પોતાનું સમગ્ર જીવન છેવાડાના માનવીઓ માટે પસાર કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેયું હતું કે, ગાંધીજી માટે દેશ સર્વોપરી હતો અને એટલા માટે ગાંધીજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન દેશના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને દેશના જન-જનને જાગૃત કરવાનું કામ કર્યું હતું. ગાંધીજીએ સર્વ ધર્મ સમભાવની વાત કરી હતી અને તેના માટે તેઓ સમગ્ર જીવન દરમિયાન સમર્પિત પણ રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દેશના મહાપુરુષોને જીવંત કરીને સાચી વાત દેશના લોકો જાણે અને તેમનામાંથી પ્રેરણા લઇને દેશ આગળ વધે એ દિશામાં આજે શ્રી નરેન્દ્રભાઇ કામ કરી રહ્યા છે. નરેન્દ્રભાઇએ સાબરમતીનો આશ્રમ દુનિયાના નક્શા પર લાવી દીધો છે, આજે દુનિયાભરના લોકો અહીં આવીને ગાંધીજીના વિચારોને યાદ કરે છે. સરદાર વલ્લભભાઇની વિશ્વની સૌથી મોટી પ્રતિભા તૈયાર કરી દુનિયાના ફળક પર સરદારને પ્રસ્થાપિત કર્યા છે.
આ પ્રસંગે કેન્દ્રિય કૃષિમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અવસર પર નરેન્દ્રભાઇની પ્રેરણાથી દેશભરમાં મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રા યોજવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. કેન્દ્રિય કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીના વિચારોને નવી પેઢી સુધી લઇ જવાનો નરેન્દ્રભાઇનો સંકલ્પ રહ્યો છે.
ત્યારે શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં આયોજીત મહાત્મા ગાંધી સંકલ્પ યાત્રાનું આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું. આજનો આ અવસર મારા જીવન માટે એક સૌભાગ્ય જેવો છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં જે મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. એ મહાપુરુષોના વિચારો સમાજ જીવનમાં પ્રસરે અને તેમના મૂલ્યોનું જતન થાય તે ઉદ્દેશ સાથે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપવા ૧૫૦મી જન્મ જયંતિના ભાગરૂપે ગાંધી સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, શ્રી અમિતભાઇના સંસદિય ક્ષેત્રમાં યોજવામાં આવેલી ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન ગાંધીજીના વિચારો પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવ્યા છે. વેજલપુરથી ચાલું થયેલી આ સંકલ્પ યાત્રાનો આજે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું હતું. પ્રદેશ અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉપકારનો ભાવ નહીં પરોપકારનો ભાવ એ ગાંધીજીના વિચારો અને મૂલ્યો સમગ્ર સમાજ જીવનમાં પ્રસરે એ ઉદ્દેશ સાથે આ સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારે આ સંકલ્પ યાત્રા દરમિયાન ગાંધીજીના જે વિચારો હતા તે વિચારને આપણે સૌ સાથે મળીને સમાજ જીવનમાં ઝિલવાનો એક પ્રયાસ કર્યો છે. આ સંકલ્પ યાત્રામાં પ્રભારી મંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજ્યના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી, અમદાવાદના મેયરશ્રી બિજલેબેન પટેલ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.