Western Times News

Gujarati News

ગાંધીનગરના ગિયોડના ગ્રામજનોને થયો મુખ્યમંત્રીની સરળતા-સહજતાનો આગવો પરિચય

ગિયોડની ઓચિંતી મુલાકાતે પહોચેલા મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો-માતા બહેનો-બાળકો સાથે વાતચીત કરી વિગતો મેળવી-ગ્રામજનો સાથે બેસી ચ્હા નો આસ્વાદ માણ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ-મિતભાષી, મક્કમ નેતૃત્વ કર્તા સાથે પોતાની સાદગી અને સહજતા માટે પણ જન-જનમાં લોકપ્રિય થયા છે.
તેમની આવી જ સાદગી અને સહજતાનો અનુભવ ગાંધીનગર જિલ્લાના ગિયોડના ગ્રામજનોને મંગળવારે સવારે થયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ કે ગામમાં કોઇને ય જાણ કર્યા વિના ગિયોડ ગામે પહોચ્યા હતા. તેમણે ગિયોડ ગામે પહોચીને ગામના વૃદ્ધો-વડીલોને ગામમાં સફાઇ, શાળા શિક્ષણ વગેરે અંગે સહજ પૂછપરછ કરી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિયોડ ગામના ભુલકાંઓ, બાળકો વચ્ચે જઇને ભૂપેન્દ્ર ‘દાદા’ તરીકેની તેમની છાપને આ બાળકો સાથે વ્હાલભર્યો સંવાદ કરીને વધુ ઉજળી બનાવી હતી. મુખ્યમંત્રીશ્રી ગામની બહેનો-માતાઓને પણ મળ્યા હતા તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરતા કરતા ચ્હા નો આસ્વાદ માણ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નિર્ધારીત કાર્યક્રમ મુજબ કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ તરીકે થઇ રહેલા વિકાસ કામોના નિરીક્ષણ માટે મંગળવારે સવારે ગયા હતા.

તેમણે ત્યાંથી આવતાં અચાનક જ પોતાના સલામતિ-સુરક્ષા અધિકારીઓને વાહનો ગિયોડ ગામમાં લઇ જવાની સૂચના આપી હતી અને કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના સીધા ગિયોડ પહોચ્યા હતા. ગિયોડના ગ્રામજનો, બાળકોએ મુખ્યમંત્રીશ્રીને પોતાના ગામમાં ઓચિંતા આવેલા જોઇને સુખદ આશ્ચર્ય અનુભવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી કુલદીપ આર્ય વગેરે પણ આ મુલાકાતમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.