ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં હવે સંજીવની રથ પણ ફરતા કરવામાં આવ્યા

સંજીવની રથ દર્દીઓના ઘરે જઇ તેમને તપાસી અને કોરોનાની દવાની કીટ આપશે
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતાં જ તંત્રએ જિલ્લાના ચારેય તાલુકામાં ધન્વન્તરી રથ ઉપરાંત સંજીવની રથ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યાે છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો વધતાં જ તંત્રની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીનેમહિલા બાળ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ દર્દીઓ હોમ આઈસોલેશનના વિકલ્પને પસંદ કરી રહ્યા છે.
આરોગ્ય સેવાઓને ગ્રામીણ વિસ્તારમાં સઘન બનાવવા માટે આ વખતે સંજીવની રથનું ભ્રમણ પણ શરૂ કરવામાં આવ્યું છે. સંજીવની રથ એ દર્દીના ઘર સુધી જશે અને તેને દવાની કીટ આપશે તેમજ તેના આરોગ્યની ચકાસણી કરશે. એ સિમ્ટોમેટીક પેશન્ટ હશે તો તેની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેની કીટ આપશે.
જિલ્લામાં ગાંધીનગર-કલાલેમાં કોરોનાના દર્દીઓ વધુ નોંધાયા હોવાથી બે-બે સંજીવની રથ ભ્રમણ કરશે જ્યારે માણસા અને દહેગામમાં એક-એક રથ ભ્રમણ કરશે. આ રથોનું ભ્રમણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું પણ તંત્રના સૂત્રોએ કહ્યું છે.
ધન્વન્તરી રથમાં સામાન્ય દર્દીઓની ચકાસણી અને ઉકાળા વિતરણ કરવામાં આવે છે. સંજીવની રથમાં કોવિડગ્રસ્ત દર્દીની ચકાસણી કરાશે. તંત્રના સૂત્રોએ જણાવ્યું છે કે ઈ સંજીવની પ્રોજેક્ટ પણ કાર્યરત છે. જેના પર નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.