ગાંધીનગરના ડભોડા ગામની સીમમાં બેઠેલા ૮૦ વર્ષીય મહિલાને માસ્ક પહેરેલું જોઇ જિલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ, તલાટી અને ગ્રામજનોની પ્રસંશા કરી

સોનારડા ગામમાં માસ્ક વગર ફરતા ત્રણ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવા તલાટી કમ મંત્રીને જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો
(મિલન વ્યાસ, ગાંધીનગર):ડભોડા ગામ એ વૃક્ષની નીચે બેસેલ લગભગ ૮૦ વર્ષની મહિલાને માસ્ક પહેરેલા જોઈને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે સરપંચ અને તલાટી સાથે સાથે ગ્રામજનોની માસ્ક પહેરવા અંગેની જાગૃતિની પ્રસંશા કરી હતી. તેમજ સોનારડા ગામમાં જિલ્લા વિકાસ અધિકારીએ માસ્ક પહેર્યા વગરના ફરતા ત્રણ વ્યક્તિઓને સ્થળ પર જ દંડ ફટકારવા તલાટી કમ મંત્રીશ્રીને સૂચના આપી હતી.
ગાંધીનગર તાલુકાના કરાઇ, વલાદ, વીરા તલાવડી, વાંકાનેરડા, ગલુદણ, સોનારડા અને ડભોડા ગામોની મુલાકાત આજરોજ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે લીધી હતી. તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી જી.એ.ધાંધલીયા પણ જોડાયા હતા.
આ તમામ ગામોની મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા બાબતે સમીક્ષા કરી અને આ આ બાબતે સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રી શ્રી ઓ એ કરેલ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. લોક ડાઉનનો અમલ થાય છે, પણ અમુક લોકો જે આ કાયદાનું પાલન કરતા નથી. તેઓને ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવી અને આગળ કાયદેસરના પગલાં ભરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. હાજરમાં રહેલ પોલીસ કર્મચારીઓને પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે અંગે સુચના આપી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ ટીમો બનાવી આગામી બે દિવસમાં ગામના તમામ ઘરોમા આરોગ્ય સર્વેલન્સ પૂર્ણ કરવા હાજર રહેલ આરોગ્ય કર્મચારીઓને સૂચના આપી હતી. હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓની સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી એ દૈનિક બે વખત રૂબરૂ મુલાકાત કરવી. મુલાકાત માટે રજીસ્ટર નિભાવવું અને મુલાકાત કર્યા અંગેનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગરને મોકલી આપવા પણ સૂચના આપી હતી.ગ્રામ પંચાયત દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વલાદ ગામે હોમ ક્વોરેન્ટાઈન કરેલ બે વ્યક્તિઓ સાથે અને ડભોડા ગામે એક વ્યક્તિ સાથે વીડિયો કોલિંગ થી વાતચીત કરી તેઓના ખબરઅંતર પૂછયા હતા. ગામોમાં નિયમિત રીતે સેનિટાઇઝેશન થાય તે માટે ગ્રામ પંચાયત અને નિયમિત આરોગ્ય સર્વેલન્સ થાય તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર ને સૂચના આપી હતી.