Western Times News

Gujarati News

ગાંધીનગરના યુવકે કોટા જઈ ૧૭ વર્ષીય છોકરીની હત્યા કરી

કોટા, છત્તીસગઢના બિલાસપુરની ૧૭ વર્ષીય છોકરીનો મૃતદેહ કોટામાંથી મળી આવ્યો હતો. મર્ડર કેસની તપાસમાં ખુલાસો થયો છે કે, છોકરીની હત્યા તેના ઓનલાઈન ફ્રેન્ડે કરી છે. બે વર્ષ પહેલા આ છોકરીની એક યુવક સાથે ઓનલાઈન મિત્રતા કેળવાઈ હતી.

બંને પહેલીવાર મળ્યા ત્યારે જ છોકરીએ યુવક સાથે સંબંધ રાખવાની ના પાડી દેતાં વાત હત્યા સુધી પહોંચી હતી. ૨૨ વર્ષીય આરોપી કિશન ઠાકુરની ધરપકડ તેના ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઘરેથી કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ તેને કોટા લઈને આવી હતી જ્યાં તેણે પથ્થરથી છોકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

પ્રેમમાં ઝનૂની બની ગયેલા યુવકે પૂછપરછ વખતે કહ્યું, “જાે તેણી મારી ના થઈ શકે તો કોઈની ના હોઈ શકે. પોલીસે યુવક સામે છોકરીની હત્યા અને બળાત્કાનો ગુનો નોંધ્યો છે. છોકરીએ સંપર્ક જાળવી રાખવાનો ઈનકાર કરતાં બીએનો અભ્યાસ કરી રહેલો આરોપી અકળાઈ ગયો હતો.

છોકરી NEETની પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેના માટે જ બે મહિના અગાઉ કોટા આવીને એક કોચિંગ ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લીધું હતું. છોકરીએ યુવક સાથે બ્રેકઅપ કરીને તેનો નંબર બ્લોક કરી દીધો હતો”, તેમ કોટાના એસપી (શહેર) કેસર સિંહે શુક્રવારે જણાવ્યું. છોકરી અને કિશનની મુલાકાત બે વર્ષ અગાઉ ફ્રી ફાયર ઓનલાઈન વિડીયો ગેમ રમતી વખતે થઈ હતી.

જે બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેટિંગ કરીને તેઓ સંપર્કમાં રહેતા હતા. એસપીએ આગળ જણાવ્યું, તેઓ અગાઉ વ્યક્તિગત રીતે ક્યારેય એકબીજાને મળ્યા નહોતા. તેમની પહેલી મુલાકાત કોટામાં થઈ, જે છોકરીની હત્યા સુધી પહોંચી. છોકરીએ બ્રેકઅપ કરી દેતાં કિશનનું લોહી ઉકળી ઉઠ્‌યું અને રવિવારે તે કોટા પહોંચી ગયો. વિજ્ઞાનનગરમાં આવેલી હોટેલમાં તે રોકાયો હતો.

“છોકરી રાજીવ ગાંધીનગરમાં આવેલી હોસ્ટેલમાં રહેતી હતી. યુવકે તેનો સંપર્ક કર્યો અને તેને પોતાના હોટેલ રૂમમાં લઈ ગયો. અહીં તેણે છોકરીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

અમે યુવક સામે IPCની કલમ અને પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધ્યો છે, તેમ એસપીએ ઉમેર્યું. કિશને શરૂઆતમાં પોલીસને કહ્યું હતું કે, તે છોકરીની સામે આત્મહત્યા કરવા માટે કોટા આવ્યો હતો. પરંતુ બાદમાં તેણે વિચાર્યું કે, ‘જાે તે મારી ના થઈ શકે તો તેને કોઈની નહીં થવા દઉં’.

સોમવારે છોકરી અને યુવક સ્કૂટર ભાડે લઈને જવાહર સાગર ડેમ વિસ્તારમાં ગયા હતા. તે છોકરીને લઈને ગાઢ જંગલમાં પહોંચ્યો હતો. જ્યારે છોકરીએ બ્રેકઅપનો આગ્રહ કર્યો ત્યારે તેને ગુસ્સો આવી ગયો અને પથ્થરથી છોકરીના માથામાં માર માર્યો. જેથી છોકરી ત્યાં જ બેભાન થઈને ઢળી પડી. આવેશમાં આવેલા કિશને ફરીથી તેના માથામાં પથ્થર માર્યો હતો.

જે બાદ તેના મૃતદેહને ઢસડીને જંગલમાં લઈ ગયો હતો. છોકરીના ચહેરા પર પથ્થર માર્યા બાદ તેનો મૃતદેહ ત્યાં જ મૂકીને કિશન ફરાર થયો હતો. છોકરીની હત્યા બાદ કિશને નજીકમાં વહી રહેલી ચંબલ નદીમાં નાહીને કપડાં અને શરીર પર લાગેલા લોહીના ધબ્બા સાફ કર્યા હતા. જે બાદ સ્કૂટર લઈને નયનપુરા બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો. ત્યાંથી બસ પકડીને અમદાવાદ આવ્યો હતો”, તેમ એસપીએ જણાવ્યું.

છોકરીનો મૃતદેહ બુધવારે રાત્રે મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ શરૂ થયેલી તપાસમાં તેની કોલ ડિટેલ્સની ચકાસણી કરતાં કિશનનું નામ સામે આવ્યું હતું. ગુજરાત એસઓજીની મદદથી કોટા પોલીસની ટીમે કિશનની ધરપકડ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.