Western Times News

Gujarati News

ગાંધીનગરના રાયપુરમાં ભરાયો ધાર્મિક મેળો, વીડિયો વાઈરલ થતા પોલીસે ૪૬ લોકો સામે ગુનો નોંધ્યો

ગાંધીનગર, ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે અંધશ્રદ્ધા માં રાચતા રાયપુર ગામના ગ્રામજનોએ કોરોના ભગાડવા માટે ધાર્મિક મેળાવડો યોજ્યો હતો. જેનો વિડીયો વાયરલ થતાં જ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને વીડિયોના આધારે ૪૬ લોકોની ઓળખ કરીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારો પણ આ વખતે ઝપેટમાં આવી ગયા હોવાથી ગ્રામ્ય પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા દિવસો અગાઉ સાણંદ તેમજ અમદાવાદના કોતરપુર વિસ્તારમાં બળીયાદેવ મંદિર પાસે ધાર્મિક વિધિના નામે મોટી સંખ્યામાં એકઠા થયાનો વીડિયો વાઈરલ થયો હતો.

ત્યારે ગાંધીનગરના રાયપુર મુકામે પણ કોરોનાની મહામારી ભગાડવાના આશયથી બળીયાદેવને પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા રાખીને ગ્રામજનોએ ઢોલ નગારા અને ડાકલા સાથે ધાર્મિક મેળાવડો ચોથી મેં નાં રોજ યોજી દીધો હોવા છતાં ગાંધીનગર પોલીસ ઊંઘતી રહી હતી.

અન્ય શહેરોની જેમ ગાંધીનગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને રાયપુર મુકામે છે તપાસ હાથ ધરતા બળીયાદેવ મંદિર ધાર્મિક વિધિના બહાને મેળો યોજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ડભોડા પોલીસે બળીયાદેવ મંદિરના વીડિયોનો અભ્યાસ કરતા મોટી સંખ્યામાં લોકો સરઘસ રૂપે મંદિરે પહોંચીને પાણી ચઢાવવાની વિધિ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.