ગાંધીનગરની સાત મીઠાઈ-ફરસાણની દુકાનેથી નમૂના લઈ તપાસ કરાઈ

પ્રતિકાત્મક
ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા તા.૧૨મી ઓક્ટોબરથી તા.૧ નવેમ્બર સુધીમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સાત મીઠાઈ-ફરસાણના વેપારીને ત્યાં ખાદ્ય તેલ અને રો મટીરીયલ વગેરેની તપાસ કરી હતી. તેમજ સ્વચ્છતા રાખવા માટેના જરૂરી સૂચનો કર્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તહેવારોના સમયમાં ભેળસેળવાળી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તેમજ ખાધ ખઓરાક ગુણવત્તાવાળા મળી રહે તે માટેની ખાસ તકેદારી રાખવા માટે મહાનગરપાલિકાના કમિશનર ધવલ પટેલે સૂચના આપી હતી.
તેમના માર્ગદર્શન હેઠળ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા તા.૧૨મી ઓક્ટોબરથી આજસુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સાત મીઠાઈ-ફરસાણની દુકાનના ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે.
જેમાં સેક્ટર-૨૫, જી.આઈ.ડી.સી.માં આવેલી વી.પી.સુખડિયા ફૂડ પ્રોડેક્ટની સેવ (નમકીન) અનેક કાજુકતરી, સેક્ટર-૨૮, જી.આઈ.ડી.સી.માં આવેલી રાધેક્રિષ્ના ફુડ પ્રોડક્ટના મોતીચુરના લાડુ અને રાધે બ્રાન્ડ મીક્ષ ચવાણા, સેક્ટર-૨૧ ડિસ્ટ્રીક્ટ શોપીંગ સેન્ટરમાં આવેલી રાધે સ્વીટ્સ એન્ડ નમકીનની દુકાનમાંથી ટ્રોપીકલ સ્કવેર (સ્વીટ)અને રાધે બ્રાન્ડ પૌઆ અને સરગાસણ ખાતે પ્રમુખ એસોસિએટમાં આવેલી બેક મેજિક દુકાનમાંથી બિસ્કીટ (બેકરી)ના નમૂના લેવામાં આવ્યાં છે.
આ નમૂનાઓને ગુજરાત સરકાર હસ્તકની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમજ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી મીઠાઈ-ફરસાણના વેપારીને ત્યાં ખાદ્યતેલ અને રો મટીરીયલ વગેરેની ટી.પી.સી.મશીન દ્વારા તપાસણી કરવામાં આવી હતી. તેમજ તમામ દુકાન ખાતે સ્વચ્છતા રાખવા માટે પણ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.