ગાંધીનગરમાં ઓક્સિજન લેવલ ડાઉન થઇ જતા કોરોના દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-11.jpg)
ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોનાની આ લહેરે હાહાકાર મચાવ્યો છે દર્દીઓને બેડ જ નહીં પણ હવે તો ઓક્સિજન પણ મળતો નથી ત્યારે ઓક્સિજન લેવલ ડાઉન થઇ જતા કોરોના દર્દીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે આવી સ્થિતિમાં પણ ગાંધીનગરનું વહિવટી તંત્ર અને સિવિલના સત્તાધીશો દિશાહિન હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ સિવિલમાં એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં દર્દીઓની લાંબી લાઇનો સવારથી જ લાગેલી હોય છે પંરતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી આખરે આ દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર એમ્બ્યુલન્સમાં જ આપવી પડે છે. આવી જ લાચારી ખાનગી હોસ્પિટલોની પણ છે જ્યાં ઓક્સિજનના જથ્થાના અભાવે દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી.
કોરોનાની આ ઘાતક અને આક્રમક લહેરે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સંક્રમણ ખુબ જ વધી જવાના કારણે વીસ જ દિવસમાં ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશની તમામ કોવિડ હોસ્પિટલો ફુલ થઇ ગઇ હતી. નવી હોસ્પિટલો ખોલવી પડે તેવી સ્થિતિ ઉભી થતાં મેદાનો અને મોટા હોલમાં હવે હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે પરંતુ હોસ્પિટલો બનાવવામાં પણ વિલંબ થવાના પગલે દર્દીઓને હાલ પથારી કે ઓક્સિજન મળતાં નથી અને હોસ્પિટલ સંકુલમાં જ એમ્બ્યુલન્સ અને કારમાં સારવાર લેવી પડે છે.
ગાંધીનગરમાં પણ આવા દ્રશ્યો સિવિલ હોસ્પિટલ સંકુલમાં જાેવા મળી રહ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તબક્કાવાર બેડ કેપેસીટી વધારવામાં આવી તેમ છતાં હાલની સ્થિતિએ ઓક્સિજન પોઇન્ટ ધરાવતાં બેડ ફુલ થઇ જતાં નવા એડમીશન બંધ કરવા પડયાં છે. કોલવડામાં નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ પણ ફુલ થઇ ગઇ છે. તેથી ગાંધીનગર સિવિલમાં પરિસ્થિતિ ઠૈરની ઠૈર જ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ દાખલ થવા માટે ઘણા દર્દીઓ આવે છે પણ અહીં જગ્યાના અભાવે દર્દીઓને વેઇટીંગમાં રાખવામાં આવે છે.કોવિડ હોસ્પિટલના દરવાજા પાસેથી રોજ સવારથી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાઇનો લાગે છે. આ એમ્બ્યુલન્સ કલાકો સુધી રહિને દર્દીઓ ઓક્સિજન અને આનુસંગિક સારવાર લઇ રહ્યાં છે પણ હોસ્પિટલમાં જગ્યા નથી. વહિવટી તંત્રએ સિવિલમાં જગ્યા થાય અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જરૃરી પગલાં લેવા જાેઇએ છે.