ગાંધીનગરમાં કોરોના વોરિયર્સ સંક્રમિત, ડોક્ટર-નર્સ સહિત ૮૦ લોકોનો સ્ટાફ પોઝિટિવ આવ્યો

Files Photo
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં મોટો ભય ફેલાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૪ હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં કાર્યરત ૮૦ જેટલા લોકો સંક્રમિત થયા છે. જેમાં ડોક્ટર,રેસિડેન્ટ ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે.
ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કોરોનાને રોકવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટરો,નર્સ તેમજ હોસ્પિટલોનો તમામ સ્ટાફ ખડેપગ જાેવા મળી રહ્યા છે. ગાંધીનગર સિવિલમાં કાર્યરત કુલ ૮૦ જેટલા લોકો સંક્રમિત થયા છે. જેમાં ૨૦ કરતા વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે આ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે.
ઉલ્લખેનીય છે કે, ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪,૨૯૬ નવા કોરોના કેસ નોંધાયા છે અને ૧૫૭ લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર ૬,૭૨૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૪,૬૯૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જાે કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને ૭૫.૫૪ ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ ૧,૧૫,૦૦૬ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૦૬ લોકો વેન્ટિલેટર પર છે અને ૧,૧૪,૬૦૦ લોકો સ્ટેબલ છે. ૩,૭૪,૬૯૯ લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. ૬,૩૨૮ લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૨૭, સુરત કોર્પોરેશનમાં ૨૬, રાજકોટ કોર્પોરેશનમાં ૮, વડોદરા કોર્પોરેશનમાં ૧૧, જામનગર કોર્પોરેશનમાં ૮, ભાવનગર કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર કોર્પોરેશન ૨ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ૨ દર્દીના મોત થયા છે.