ગાંધીનગરમાં ગાડીમાંથી ૨૩૩ નંગ વિદેશી દારૂનાં જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલી પ્રોહીબીશન – જુગારની ડ્રાઈવ દરમિયાન મળેલી ચોક્ક્સ બાતમીના આધારે એપોલો સર્કલ પાસે વોચ ગોઠવી ભાટ રીંગરોડ તરફ પરથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ગાડીમાંથી ૨૩૩ નંગ વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપીયા ઝડપી લઈ કુલ રૂ. ૩.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ઈન્ફોસિટી પોલીસને સોપવામાં આવેલી છે.
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અન્વયે જીલ્લામાં ચાલતી પ્રોહીબીશન – જુગારની ડ્રાઈવ અંતર્ગત વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આપેલી સૂચનાનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચ ના પીઆઈ જે એચ સિંધવની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી.
તે દરમ્યાન બાતમી મળી હતી કે દારૂનો મોટો જથ્થો ગાડીમાં ભરીને એપોલો સર્કલ થઈ અમદાવાદ તરફ રવાના થવા છે. જેનાં પગલે એસીબીની ટીમે ખાનગી વાહનો સાથે એપોલો સર્કલ પાસે વોચ ગોઠવી હતી. ઘણીવાર પછી બાતમી મુજબની સફેદ કલરની ગાડી પસાર થતાં તેને ઉભી રહેવાનો ઈશારો કરવામાં આવ્યો હતો.પરંતુ ગાડીના ડ્રાઇવરે પોલીસ પહેરો તોડીને પોતાની ગાડી ભાટ રીંગ રોડ તરફ ભગાડી મુકી હતી. ત્યારે અગાઉથી જ તૈયારી સાથે બેઠેલી એલસીબીની ટીમે ગાડીનો પીછો શરૂ કરી દીધો હતો.
અને થોડેક આગળ જતાં બળ પ્રયોગ વાપરી ગાડીને પકડી લીધી હતી.બાદમાં પોલીસ ગાડીમાં બેઠેલા ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ શાંતિલાલ કમજી ડામોર (રહે. રાફલાફલા, ભૂવાલી ગામ, ગામ ડુંગરપુર) અને અશોક નાથૂજી કલાલ (ખેડા આશાપુરા, ડુંગરપૂર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૨૩૩ નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો અમદાવાદ પહોંચીને ફોન કર્યા પછી ક્યાં સ્થળે ડીલીવરી કરવાનો તેની સૂચના બન્નેને મળવાની હતી. તે પહેલાં જ એલસીબીનાં હાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે ડુંગરપૂરનો પ્રકાશ કલાલ વોન્ટેડ છે. ઉક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ ઈન્ફોસિટી પોલીસને સોપવામાં આવી છે.HS