ગાંધીનગરમાં જુગાર રમતા આઠ શકુનિઓને ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડીને ઝડપી લીધા
ગાંધીનગર: ગાંધીનગરના વાવોલ ગામે કોરોનાના કહેર વચ્ચે તીન પત્તીની બાજી માંડીને જુગાર રમતા આઠ શકુનિઓને ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડીને ઝડપી લીધા હતા. ૨૧ હજાર ૪૦૦ તેમજ જુગાર સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર એલસીબીના પીએસઆઇ વી.કે રાઠોડ અને સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જમાદાર અનોપસિંહને બાતમી મળી હતી કે, વાવોલમાં આવેલા બળીયાદેવના મંદિર પાસે ચરેડી વાસમાં રહેતા ઘનશ્યામસિંહ હેમતુજી ગોલ તેના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવે છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી વાળી જગ્યાએ દોડી જઇ ઘનશ્યામસિંહ ઘરને કોર્ડન કરી લીધું હતું.
બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરમાં પ્રવેશતા આઠ ઈસમો કુંડાળું વળીને તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસને જાેઈને જુગારીઓ નાસવાની ફિરાકમાં હતા. જાેકે, પોલીસે તમામ લોકોને કોર્ડન કરી લીધા હોવાથી તેઓ સફળ રહ્યા ન હતા. આઠ ઇસમોની કડકાઈથી પૂછતાછ કરતાં તેઓએ પોતાના નામ ઘનશ્યામસિંહ ગોલ (રહે વાવોલ ચરેડી વાસ), વિપુલસિંહ બનુંજી ગોલ (રહે વાવોલ ,ચરેડી વાસ), શંકર સિંહ રજૂજી ગોલ (રહે દરબાર વાસ ,વાવોલ), નરેન્દ્રસિંહ વિજયસિંહ ગોલ (રહે, નવો વાસ,વાવોલ), સુરેશ કનુભાઈ રાવળ (સેકટર-૧૫ ફતેપુરા), સતિષસિંહ અમરસિંહ ગોહિલ (રહે ગોહિલ વાસ વાવોલ), પ્રકાશસિંહ લાલજી ગોલ ચરેડી વાસ વાવોલ તેમજ જીતેન્દ્રસિંહ કચરાજી ગોલ (દરબાર વાસ વાવોલ) હોવાની કબૂલાત કરી હતી.
ઉપરોકત તમામ જુગારીઓ ની ધરપકડ કરી ગંજીપાના તેમજ ૨૧ હજાર ૪૦૦ રૂપિયા રોકડ જપ્ત કરી ક્રાઈમ બ્રાન્ચે તમામ વિરુદ્ધ એપેડેમીક એકટ હેઠળ પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.