ગાંધીનગરમાં દેશની પ્રથમ સ્કિલ યુનિવર્સિટી બનશે
ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉતરાયણ પર્વ બાદ 15 જાન્યુઆરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ યુનિવર્સિટીનું ભૂમી પૂજન કરશે. તેની પૂર્વે તેઓ 14 જાન્યુઆરી ઉતરાયણના દિવસે વેજલપુર વિધાનસભા મતવિસ્તાર પ્રજાજનો સાથે પતંગબાજીનો આનંદ લેશે, સાથે સાથે તેઓ ગુજરાત બીજેપીના પ્રદેશના માળખા ઉપરાંત તમામ શહેર જિલ્લાના પ્રમુખોની યાદી પર આખરી મહોર મારશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઓફ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગર ખાતે કરવામાં આવશે. જેનો આરંભ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. એ માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સ્કિલ યુનિવર્સિટીની સ્થપના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રાજય સરકારે 20 એકર જમીન નાસમેદ ગામ પાસે 25 વર્ષના ભાડા પટ્ટે ફાળવવામાં આવી છે. આ યુનિવર્સિટી ટાટા ગ્રુપ દ્વારા ઉભી કરવામાં આવનાર છે.
આ યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, અહીંયા વર્લ્ડ કક્ષાની ટેક્નિકલ તાલીમ આપતી આ યુનિવર્સિટી બનાવવાનું આયોજન છે. જેમાં વર્ચ્યુલ અને સીમ્યુલેટેડ પ્રકાર ની તાલીમ આપવામાં આવશે. આ યુનિવર્સીટી દ્વારા સર્ટીફેકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા અને ડિગ્રી સહીતના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. આ યુનિવર્સિટી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ પર બનશે. આ યુનિવર્સિટીને આઈ આઈ એમ અને આઈ આઈ ટી કક્ષાની ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઓફ સ્કિલ યુનિવર્સિટી ને બનાવવાનું કેન્દ્ર સરકાર અને ટાટા ગ્રુપનું આયોજન છે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડે, ટાટા ગ્રુપના રતન ટાટા ઉપરાંત શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર સહીત સ્કિલ ઇન્ડિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને સંસ્થાઓ ઉપસ્થિત રહેશે.