ગાંધીનગરમાં પંદર દિવસમાં રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઇ ગયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona1-3-scaled.jpg)
Files Photo
ગાંધીનગર: કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબો કહે છે, પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી ૪.૮૮ લાખ લોકોનું રસીકરણ થયું હતું.
તેની સામે ૧૮ એપ્રિલે માત્ર ૧.૧૭ લાખ લોકોએ રસી લીધી હતી. આમ પંદર દિવસમાં રસીકરણનો આંકડો ચોથા ભાગનો થઇ ગયો હતો. ત્રીજી એપ્રિલે ૪૫થી વધુ ઉંમરના ૬૨.૩૦ લાખ સામાન્ય નાગરિકોએ પ્રથમ રસી લીધી હતી અને ૭.૬૪ લાખ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સે રસીનો બીજાે ડોઝ લીધો હતો. બીજી એપ્રિલે પણ રસીકરણની વિગત જાેઇએ તો તે ૪.૪૦ લાખ લોકોને રસી અપાઇ હતી તેમ દર્શાવે છે.
જાે કે ચોથી એપ્રિલે જ રસીકરણનો મોટો ડાઉનફોલ નોંધાયો અને તે ૨.૭૮ લાખનો થયો હતો. અને તે પછી રસીકરણમાં અમુક દિવસે નોંધાયેલાં સામાન્ય વધારાને બાદ કરતાં સતત ઘટાડાનો ટ્રેન્ડ નોંધાઇ રહ્યો છે. આ તરફ જાે કોરોનાના કેસની વાત કરીએ તો ત્રીજી એપ્રિલે ગુજરાતમાં કોરોનાના ૨૪ કલાકમાં ૨,૮૧૫ નવાં કેસ નોંધાયાં હતાં તેની સામે ૧૮ એપ્રિલે આ આંકડો લગભગ પાંચ ટકા વધીને ૧૦,૦૦૦ની સપાટી કૂદાવી ગયો અને તે ૧૦,૩૪૦ પર પહોંચ્યો છે.
ગત સપ્તાહે એટલે કે ૧૧ એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના ૧.૪૫ લાખ ટેસ્ટ થયાં તેમાંથી નવાં ૫૪૬૯ નવાં પોઝિટીવ કેસ નોંધાયા હતાં. આમ દર સો ટેસ્ટ પૈકી ૩.૭૫ જેટલાં પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ પોઝિટીવ રેશિયો ક્રમશ વધતો રહ્યો અને તે ૧૭ એપ્રિલે ૫.૫૦ ટકા નોંધાયો હતો.