Western Times News

Gujarati News

ગાંધીનગરમાં બીન અનામત વર્ગની મહિલાઓના ધરણાં

(પ્રતિનિધિ) અમદાવાદ: એલઆરડી ભરતીના મામલે છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહેલી મહિલાઓ સામે રાજય સરકારે નમતુ જાખી નવો પરિપત્ર બહાર પાડવાની જાહેરાત કરતા હવે રાજયમાં વર્ગ વિગ્રહની દહેશત સેવાઈ રહી છે. રાજય સરકારે તા.૧.૮.ર૦૧૮નો પરિપત્ર રદ કરી દેતા ગઈકાલથી જ બીન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં દેખાવો શરૂ કર્યા છે અને આજે સવારે વિધાનસભાની સામે બગીચામાં યોગ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બપોર સુધીમાં રાજય સરકાર ચર્ચા કરવા માટે નહી બોલાવે તો આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

આમ હવે સરકાર બે પક્ષની વચ્ચે ભીંસમાં મુકાઈ છે.  એલઆરડીમાં ભરતીના પ્રશ્ને રાજય સરકાર દ્વારા તા.૧.૮.ર૦૧૮ના રોજ કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં છેલ્લા બે મહિનાથી ગાંધીનગરમાં મહિલાઓ ઉપવાસ પર બેઠી હતી અને આ આંદોલનને સમર્થન મળવા લાગતા આંદોલન ઉગ્ર બનવા લાગ્યુ હતું જેના પગલે સરકાર પણ આ પ્રશ્નનું નિવારણ લાવવા સક્રિય બની હતી. આંદોલનકારી મહિલાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી

તબક્કાવાર બેઠકો યોજાયા બાદ બે દિવસ પહેલા રાજય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરી ર૦૧૮નો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો જેના પગલે એક પ્રશ્નનો અંત આવ્યો હતો પરંતુ આ પરિપત્ર રદ થતાં જ બીન અનામત વર્ગની મહિલાઓમાં રોષ ફેલાયો હતો અને ગઈકાલથી જ બિન અનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગર તરફ કૂચ કરી હતી.

પરિપત્ર રદ કરવાની સરકારની જાહેરાતથી ભારે હોબાળો મચી ગયો છે અને ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓ એક સૂત્ર થઈ દેખાવો કરવા લાગી છે. ગઈકાલે સ્થાનિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાતભર ગાંધીનગરમાં જ ધરણા કર્યાં હતાં આજે સવારે બીન અનામત વર્ગની મહિલાઓમાં આ મુદ્દે ભારે રોષ જાવા મળતો હતો અને સરકાર સાથે વાટાઘાટો કરવા સહિતની માંગણીઓને લઈ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

પરિપત્ર રદ કરવાના વિરોધમાં ગાંધીનગરમાં શરૂ થયેલા વધુ એક આંદોલનના પગલે સરકાર સતર્ક બની ગઈ છે. આજે સવારથી જ વિધાનસભાની સામે આવેલા બગીચામાં બીન અનામત વર્ગની મહિલાઓએ યોગ કરીને સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે આજે બપોર સુધી સરકારના જવાબની રાહ જાવામાં આવી રહી છે. પરિપત્ર રદ કરવાના મુદ્દે સરકારે તમામ વર્ગના નેતાઓ સાથે ચર્ચા કરવી જાઈતી હતી

પરંતુ સરકારે એક તરફી નિર્ણય લઈ લીધો છે જેના પગલે હવે બિન અનામત વર્ગની મહિલાઓ સાથે આ મુદ્દે જયાં સુધી સરકાર ચર્ચા નહી કરે અને પરિપત્ર રદ કરવાનો નિર્ણય પરત નહી ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. સવારથી જ વિધાનસભાની બહાર બગીચામાં આંદોલનકારી મહિલાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. તો બીજીબાજુ રાજયના મુખ્યમંત્રી તથા મંત્રી મંડળના સભ્યો સવારથી જ રાજકોટમાં છે જેના પગલે હવે ગાંધીનગરમાં શું  સ્થિતિ સર્જાય છે તે અંગે કહેવુ મુશ્કેલ છે. પરંતુ હાલ રાજયમાં આ મુદ્દે જુદી જુદી જ્ઞાતિના લોકો સામ સામે આવી જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.