ગાંધીનગરમાં યોજાનાર 2022નો ડિફેન્સ એક્સપો મોકૂફ રખાયો
ગાંધીનગર, સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો 10થી 14 માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે. જ્યારે આ વર્ષે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે રદ કરવામાં આવી શકે છે.
આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે. ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો 2022ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ હતી.
આ અગાઉ જાન્યુઆરીમાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે આખરે હવે તેને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે રદ કરવાનો જ નિર્ણય લઈ શકાય છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.