ગાંધીનગરમાં સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 અંતર્ગત ત્રિદિવસીય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન
રસીકરણ અંગે જનજાગૃતિ વધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય
ગાંધીનગર, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સઘન મિશન ઇન્દ્રધનુષ 2.0 વિષય અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર ત્રિદિવસીય જનસંપર્ક કાર્યક્રમના ભાગરૂપે ગાધીનગરના સ્વર્ણિમ સંકુલ તાપી હોલ, ખાતે વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢી સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રહે તે સંકલ્પ અને રસીકરણ ઝૂંબેશ વધુ સઘન બનશે, જ્યારે સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિએ મિશન ઇન્દ્રધનુષ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સઘન મિશન ઇન્દ્રધનુષના પ્રથમ તબક્કાની શરુઆત 2 ડિસેમ્બર, 2019થી થઇ છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કા પૂર્ણ કરેલ છે. જેમાં 15643 રસીકરણ સેશન દ્વારા સમગ્ર ગુજરાતના 73,755 બાળકો અને 13,765 સગર્ભા માતાઓને રસીકરણનો લાભ આપેલ છે. મહત્વનું છે કે આ ત્રણ તબક્કામાં 199 જેટલાં રાત્રી સેશન પણ કરેલ છે. જેમાં 721 બાળકો અને 141 સગર્ભા માતાઓને રસીકરણ કરેલ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયાનું અભિયાન સ્વરૂપે અમલીકરણ કરી રાજ્યમાં તેમજ દેશમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ 90 ટકાથી વધારી રોગમુક્ત સમાજનું નિર્ણાણ કરવું એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે. જે માટે રાજ્યનો આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.
આ ત્રિદિવસીય આયોજન અંગે વધુ વિગતો આપતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના એડીશનલ ડીજી અને ગુજરાત વિભાગના વડા ડૉ. ધીરજ કાકડિયાએ કહ્યું કે રસીકરણની આ ઝુંબેશ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે, ત્યારે પ્રચાર માધ્યમોના અને તે દ્વારા લોકોના સહયોગ ઉપાર્જન માટે જનજાગૃતિ કાર્યક્રમ અત્યંત આવશ્યક બન્યાં છે. લોકો સમજે તે રીતે અને લોકરંજક માધ્યમો દ્વારા લોકઉપયોગી માહિતી જનજન સુધી પહોંચાડવા આ ત્રિદિવસીય કાર્યક્રમનું ગાંધીનગરમાં આયોજન કરાયું છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે પરંપરાગત માધ્યમો જેમકે ભવાઇ, ડાયરો તેમજ ગીત-સંગીત-નાટકનો જનસંપર્ક અર્થે ઉપયોગ કરવામાં આવશે. લોકો બહોળા પ્રમાણમાં કાર્યક્રમ સ્થળે ઉમટી ખાસ યોજાયેલા પ્રદર્શનનો લાભ લે તે માટે સક્રિય ભૂમિકા અદા કરવા ડૉ. કાકડિયાએ ઉપસ્થિત મીડિયાકર્મીઓને આહવાન કર્યું હતું.
આ પત્રકાર પરિષદમાં રીજનલ આઉટરીચ બ્યુરોના ડાયરેક્ટર ઇન્ચાર્જ શ્રીમતી સરિતાબેન દલાલ તેમજ રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.