ગાંધીનગરમાં સરકારી ભરતીના નામે છેતરપિંડી : ચાર ની ધરપકડ
ગાંધીનગર: રાજ્ય સરકારના ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર નામે ભરતીની ખોટી જાહેરાત આપીને યુવાનોને ગેરમાર્ગે દોરી નાણા કમાવવાનો કારસો રચનાર ચાર યુવાનોની ગાંધીનગર પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. મહત્વની વાત છે કે ચારેય યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું છે.
ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના નામે ૨ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ૧૦૦૦થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ઓફિસ આસિસ્ટન્ટની ૪૬૦, એકાઉન્ટન્ટની ૨૪૪, મોનિટરિંગ એન્ડ એવેક્યુશનની ૨૫૬ અને એમ.આઈ.એસની ૨૮૩ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.
આ માટે ઓનલાઈન અરજી પર મંગાવવામાં આવી હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૧૯ દર્શાવવામાં આવી છે. આ જાહેરાત બાદ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરે પોલીસમાં ફરિયાદ કરતા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માટે સૂચના આપી હતી.
આ દરમિયાન જાહેરાત આપનારનો મોબાઈલ નંબર સમાચારપત્રની ઓફિસ પાસેથી ચકાસણી કરતા ડમી નંબર હોવાનું જોવા મળ્યું હતું.
જાહેરાતમાં આઇસીઆઇસી બેન્ક ગાંધીનગર સેક્ટર ૧૬ની બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોને પરીક્ષા ડ્રાફ્ટ ભરવા માટે ઉલ્લેખ કરાયો હતો. જેમાં તપાસ કરતા ૩૦૦થી વધુ ઉમેદવારોએ ૫૫,૦૦૦થી વધુની રકમ બેન્કમાં ભરી હોવાનું બહાર આવ્યું હોવાનું ગાંધીનગર ડ્ઢઅજીઁ એમ. જે. સોલંકીની તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
અધિકારીએ વધુમાં કહ્યુ હતુ કે આ તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ એમસીએ સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈડ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે. આ આરોપીઓ એ પૈસા કમાવવાના ઉદ્દેશથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ જીયુએસડીએમ નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું.
આ બનાવટી હોમપેજ પર ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામે ભરતી માટે જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં જાહેરાતનું ફોર્મ અને ૩૦૦ રૂપિયા ફી ભરવા અંગેની માહિતી અને આઇસીઆઇસીઇ બેન્કના એકાઉન્ટનો નંબર મૂકવામાં આવ્યો હતો. આ બનાવટી જાહેરાત જોઈને ૩૦૦થી વધુ ઉમેદવારોએ ભરતી માટેની ૫૫,૦૦૦ રૂપિયાથી વધુની ફી બેંકના ખાતામાં ભરી દીધી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાટણમાં આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. આ મામલે ગાંધીનગર એસસીબી પોલીસે સીસીટીવી ફૂટેજ અને બનાવતી દસ્તાવેજોના આધારે યુવાનો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.