ગાંધીનગર ચૂંટણીમાં ઉમેદવારો માટે “નો રિપિટ”નું કાર્ડ ફેંક્યું
ગાંધીનગર, મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ મનપાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે સેંકડો ઉમેદવારોએ રીતસરની હોડ લગાવી હતી. કાર્યકાળ દરમ્યાન સફળ કામગીરી કરી ચૂકેલા કોર્પોરેટરોને તો ગળા સુધી વિશ્વાસ હતો કે, એમની ટિકિટ તો પાક્કી જ છે. જાેકે, કેટલાના માથે રિપીટનો કળશ ઢોળાશે તે ચર્ચાનો વિષય બન્યો હતો.
પરંતુ મંગળવારે મોડી સાંજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે મનપાના ૧૧ વોર્ડના ૪૪ પૈકી ૧૦ વોર્ડના ૮૦ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરાતા જ ગાંધીનગરના પીઢ કોર્પોરેટરોમાં સન્નાટાની સ્થિતિનું નિર્માણ થયું હતું. પીઢ રાજકારણીઓને એકાએક હાંસિયામાં ધકેલી દઈ નો રિપીટની થિયરી અપનાવી ૪૦ નવા ચહેરાને મેદાને જંગમાં ઉતારતાં ગાંધીનગર ભાજપમાં યુધ્ધ પહેલાની શાંતિના એંધાણ સર્જાયા છે. બં
ધમાં બાજી રમવાની ટેવવાળા પ્રદેશ પ્રમુખે ખેલેલા આ નવા દાવમાં ખુદ મેયર રીટા બહેન પટેલ પણ કપાઈ ગયા છે. વર્તમાન મેયર રીટા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રની ટિકિટ કપાઈ છે. તો પૂર્વ શહેર પ્રમુખ મહેંદ્ર દાસને ટિકિટ આપવામાં આવી છે .
જાેકે હજુ સી.આર.પાટીલ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૬ માટે ઉમેદવારની જાહેરાત કરાઇ નથી. એક તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.
આ વખતે ૮ મહાનગરોની ચૂંટણીમાં આપની એન્ટ્રી બાદ હવે ગાંધીનગરમાં પણ આમઆદમી પાર્ટીની એન્ટ્રી થાય તેવા પ્રયાસો સાથે અગાઉથી પાર્ટીએ ૨૩ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ૨૩ જેટલા ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી સુરતની જેમ ગાંધીનગરમાં પણ ભાજપને પડકારી છે.