ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો લાંચ લેતાં રંગેહાથ પકડાયો
ACBની ટીમે સિવિલ કેમ્પસમાં છટકું ગોઠવી ર૦ હજારની લાંચ લેતાં ઝડપ્યો
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો રૂપિયા ર૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં ઝડપાઈ ગયો હતો. ગાંધીનગર એમ.એસ. બિલ્ડિંગ ખાતે સ્થિત જિલ્લા તિજોરી કચેરીમાં કર્મચારીઓના પગાર બીલો, કન્ટીજન બીલો, ઉચ્ચતર એરીયસ બીલો, ફીકસ ટુ ફુલ પે સહિતના બીલો પાસ કરાવવા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ગંધ એન્ટી કરપ્શન બ્યુરો કચેરી સુધી પહોંચી હતી
તેના પગલે ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક આશુતોષ પરમારના સુપરવિઝન હેઠળ પીઆઈ એચ.પી. પરમારે ટીમ સાથે જિલ્લા તપાસ હાથ ધરી હતી. કચેરીનો પટાવાળો ઐયુબ સુબામીયાં ઝાલોરી દ્વારા વિવિધ બીલો પાસ કરાવવા માટે એક બીલના રૂ.૩ હજારથી રૂ.પ હજારની લાંચની માંગણી કરાતી હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન એસીબીની ટીમ જિલ્લા તિજોરી કચેરી ખાતે ગોઠવાઈ ગઈ હતી. જોકે પટાવાળા એૈયુબ ઝાલોરીએ ડિકોયરને જિલ્લા તિજોરી કચેરીની જગ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રજવાડી ટી સ્ટોલની સામે રોડ ઉપર બોલાવ્યો હતો ત્યારે પટાવાળા ઐયુબ ઝાલોરીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી એક બીલના પ હજાર લેખે ચાર બિલ પાસ કરાવી આપવાની અવેજીમાં ર૦ હજારની લાંચ સ્વીકારી હતી
એજ વખતે એસીબીની ટીમે પટાવાળા ઐયુબ ઝાલોરીને આબાદ રીતે પકડી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં પટાવાળાના તાર ક્યા ક્યા અધિકારી-કર્મચારી સાથે જોડાયેલા છે તેની પણ ઉંડાણથી એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે.