ગાંધીનગર ડેપોને માસિક ૩૦ લાખ જેટલું નુકસાની વેઠવાનો વખત આવ્યો

ગાંધીનગર: ગાંધીનગર એસ.ટી ડેપોની ૮૪ બસો રોજની ૭૦૦ થી વધુ ટ્રીપો થકી ૧૫ હજાર મુસાફરો સલામત સવારીનો રોજ લાભ લેતા હોવા છતાં ગાંધીનગર ડેપોને રોજનું ૧ લાખનું નુકસાન થઈ રહ્યું છે. આમ ગાંધીનગર ડેપોને માસિક ૩૦ લાખ જેટલું નુકસાની વેઠવાનો વખત આવ્યો છે.
ગાંધીનગર સહિત રાજય ભરમાં કોરોના મહામારીના પગલે એસ ટી બસોના પૈડાં થંભી ગયા હતા. જેનાં કારણે ગાંધીનગર ડેપોને પણ લાખો કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. કોરોના લહેર શાંત પડતાં પહેલાં ૫૦% પછી ૭૫ %સીટિંગ કેપેસિટી સાથે મુસાફરો બેસાડવાની અનુમતિ સરકાર દ્વારા આપવામાં આવી છે. આ અંગે ગાંધીનગર એસ.ટી ડેપો મેનેજર કેતન ભાઈ એ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી ની બીજી લહેર શાંત પડ્યા બાદ તબક્કાવાર ગાંધીનગર ડેપો ની ૮૪ બસો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
જે બસો રોજની ૭૦૦ થી વધુ ટ્રીપો મારવામાં આવી રહી છે. શરૂઆતમાં આશરે ૯ હજાર મુસાફરો રોજના મળતા હતા. જેમ જેમ સંક્રમણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મુસાફરોનો આંકડો ૧૫ હજાર પહોંચ્યો છે. જેની સામે ભૂતકાળમાં ૨૧ હજાર મુસાફરો રોજના મળતા હતા. વિવિધ રૂટ પર બસો દોડાવવાની સાથે મુસાફરો બેસાડવાની ક્ષમતા ૭૫% રાખવાની હોવાથી પણ મુસાફર ઓછા બેસાડવામાં આવતા હોવાથી તેની સીધી અસર એસ.ટી ની આવક પર પડી રહી છે તે સ્વાભાવિક છે.
વધુમાં ડેપો મેનેજરે ઉમેર્યું હતું કે, ગાંધીનગર ડેપો મારફતે દોડતી ૮૪ બસોમાંથી ૩૦ જેટલી પોઈન્ટ ની બસો છે. જેનો સરકારી કર્મચારીઓ લાભ ઉઠાવી રહ્યા છે. આગામી બે ત્રણ મહિનામાં વધુ ૨૦ જેટલી ઈલેક્ટ્રીક બસો ફાળવવામાં આવશે. જેનો ગાંધીનગર ની પ્રજા ને ચોક્ક્સથી લાભ થવાનો છે.
હાલમાં ગાંધીનગર એસ ટી ડેપોમાં ૪૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ નિભાવી રહ્યા છે. જેમાં ડ્રાઈવર કંડકટર, વહીવટી સ્ટાફનો સમાવેશ થાય છે. કોરોના મહામારી વચ્ચે ધીમે ધીમે મુસાફરો મળતા તો થયા છે જેની સામે એસ ટી ડેપોને રોજનું ૧ લાખની નુકસાની વેઠવી પડી રહી છે. આમ માસિક ૩૦ લાખ જેટલું નુકસાની ગાંધીનગર ડેપો ને ભોગવવી પડી રહી છે.