ગાંધીનગર બાદ પાટણમાં પણ થશે ઓમિક્રોનનું ટેસ્ટિંગ
પાટણ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓમિક્રોનના કેસો વધતા હવે પાટણમાં પણ તેના ટેસ્ટિંગ માટે લેબોરેટરી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં બીજી ઓમિક્રોન લેબોરેટરી પાટણમાં તૈયાર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગરમાં ઓમિક્રોનનું ટેસ્ટિંગ થતું હતું, પરંતુ હવે પાટણ સ્થિત HNGUમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ તૈયાર થતાં ઝડપથી ટેસ્ટિંગ થઈ શકશે.
મીડિયા રિપોર્ટ અનુસાર HNGUના માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ઓમિક્રોન અને આરટીપીસીઆર સહિતના તમામ મેડિકલ ઈક્વિપમેન્ટ ફિટ કરવામાં આવ્યા છે. જેથી ઉત્તર ગુજરાતના ૫ જિલ્લાને ઓમિક્રોન લેબોરેટરીનો લાભ મળશે. અત્યાર સધી આ જિલ્લાના દર્દીઓના સેમ્પલ ગાંધીનગર મોકલવા પડતા હતા.
મહત્વની વાત એ છે કે, આ લેબમાં ૨૪ કલાકમાં જ Omicron રિપોર્ટ મળી જશે. જાે કે, લેબોરેટરી ક્યારથી શરૂ થશે અને કોના હસ્તે ખુલ્લી મુકાશે તે અંગે હજી કોઈ ચોક્કસ માહિતી નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર પાટણ જિલ્લામાં છેલ્લા ૨૦૪ દિવસથી કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી.
આ સિદ્ધી મેળવવા તંત્રએ રાત દિવસ એક કર્યા છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલિસ વિભાગ અને આરોગ્ય વિભાગની સતર્કતાને પગલે સફળતા પ્રાપ્ત થઈ છે. જાે કે, હવે રાજ્યના મોટાભાગના જિલ્લાઓ એકવાર ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે પાટણમાં કોરોના પગપેસારો કરે તો નવાઈ નહીં.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર મંગળવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૨૨૬૫ કેસો નોંધાયા છે, જ્યારે બે દર્દીઓના મોત થયા છે. તેની સામે ૨૪૦ દર્દીઓ સાજા થયા છે. જેથી કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૭.૮૫ ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસો ૭૮૮૧ છે જેમાં ૧૮ દર્દી વેન્ટિલેટર પર જ્યારે ૭૮૬૩ દર્દીઓ સ્ટેબલ છે.SSS