Western Times News

Gujarati News

ગાંધીનગર મનપાની ઓફિસમાં 3 સફાઈ-કામદારોએ ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પડતર માગણીઓને લઇને સફાઇ-કામદારોએ જંગ છેડ્યા પછી મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ-પ્રમુખે હૈયા ધારણા આપતાં કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. જોકે આજદિન સુધી પડતર માગણીઓ નહીં સંતોષાતાં ત્રણ કામદારે મનપા ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં દોડધામ મચી ગઈ છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી બાદ પણ નોકરી નહીં મળતાં આજે સામૂહિક ઝેર પીવાની ચીમકી આપી હતી. એને પગલે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને છેલ્લી ઘડી સુધી આ કામદારોને મનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ એમાં સફળતા મળી નથી.

ગાંધીનગર મહાનગરપાલિકામાં બે ઝોનની સફાઇ એજન્સી મારફત જ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ એજન્સીના સફાઇ-કામદારો પગારવધારો અને સ્માર્ટવોચના મુદ્દે 108 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા.

ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમને પારણાં કરાવીને પગારવધારાની સાથે નોકરી પર પરત રાખવાની બાંયધરી આપવામાં આવી હતી.

જોકે એક મહિના બાદ પણ સફાઇ-કામદારોને પગારવધારા સાથે નોકરી નહીં મળતાં કોર્પોરેશન તંત્રને અલ્ટિમેટમ આપ્યું હતું. આજે બીજી મેના રોજ સામૂહિક ઝેર પીવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઇને ગઇકાલથી કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા અને સફાઇ-કામદારો સાથે બેઠકો કરી હતી, પરંતુ એ નિરર્થક નીવડી હતી. એને પગલે આજે ચંદ્રકાંત સોલંકી, કિરણ સોલંકી અને ભદ્રેશ ગોહિલ નામના ત્રણ કામદારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.