ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલ્યું
ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ બહુમતી સાથે જીતી ગઈ છે અને કોંગ્રેસને ફરી હાર મળી છે. તો એવું લાગી રહ્યું હતું કે, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી કોઈ કમાલ કરશે પણ આમ આદમીએ કોઈ કમાલ ન કરી અને કમળે ગાંધીનગર મહાનગરની પાલિકાની સત્તા કબજે કરી છે. ગાંધીનગરમાં માત્ર આપ ખાતું ખોલાવી શકી છે. ગાંધીનગરના વોર્ડ નંબર ૬માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઇ છે.
તુષાર પરીખે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દરેકે દરેક વોર્ડની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે પણ ધાર્યું પરિણામ મળ્યું નથી. પણ અમે લોકો એજ જુસ્સાથી આગળ વધતા રહીશું.
અમે જે પરિણામ ધાર્યું હતું તે પરિણામ મેળવવા માટે લડતા રહીશું. અમે જનતાના માટે અવાજ ઉઠાવતા રહીશું. અમે ABCD રમવા નથી આવ્યા અને જે જગ્યા પર ત્રિપાંખીયો જંગ હોય તેવા વોટનું ડીવીઝન થાય તેમાં પરિણામ ન મળે.HS