Western Times News

Gujarati News

ગાંધીનગર મ્યુનિ. ભયજનક આવાસોનાં ગટર, પાણી અને લાઈટ જોડાણ કાપી નાખશે

દુર્ઘટના સર્જાય તે પહેલાં નોટિસો આપી અત્યાર સુધી ૩૦૦ મકાનો ખાલી કરાવાયા

ગાંધીનગર, ગાંધીનગર શહેરના વિવિધ સેકટરોમાં આવેલા વર્ષો જુના સરકારી આવાસો પૈકી મોટાભાગના અત્યંત જોખમી હાલતમાં છે અત્યારે શહેરના સેકટરમાં જોખમી આવાસમાં વસવાટ કરતા કર્મચારીઓ કે તેમના પરિવારજનો કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે સરકાર અને તંત્ર એલર્ટ બન્યુ છે.

શહેરના સેકટરોમાં સ્થિત જોખમી આવાસો ખાલી કરવા માટે અગાઉ પણ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

તેમ છતાં હજુ અનેક લોકો જોખમી આવાસમાં વસવાટ કરે છે જેને અનુલક્ષીને કોર્પોરેશન દ્વારા પણ હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોખમી આવાસો ખાલી કરવામાં આવ્યા ન હોય તેવા કિસ્સામાં તા.૧૧ જૂનથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આવા આવાસમાં પાણી ગટરના જોડાણ કાપી નાંખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં સરકારી અધિકારી/ કર્મચારીને સરકારી મકાનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યા છે તેમાં વિવિધ સેકટરોમાં આવેલા આ આવાસો અંદાજિત ૪પથી પ૦ વર્ષ જૂના છે. જયારે સેકટરોમાં સ્થિત વિવિધ કક્ષાના આ આવાસો પૈકી ઘણાં મકાનો રહેવા લાયક પરિસ્થિતિમાં ન હોવાથી જર્જરિત થઈ ગયા છે. અલબત્ત જોખમી હાલતમાં છે. જીપીએમસી એકટની ૧૯૪૯ની કલમ ૬૪ મુજબ મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોંપવામાં આવી છે.

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર, ડે. મ્યુનિસિપલ કમિશનર, ટાઉન પ્લાનર, એસ્ટેટના અધિકારીઓ તેમજ માર્ગ મકાન વિભાગના એંજિનિયર્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા ભયજનક આવાસો ખાલી કરવા મામલે અગાઉ નોટીસ પણ આપવામાં આવી છે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસો અન્વયે ૩૦૦ આવાસો ખાલી કરવામાં આવ્યા છે.

જયારે હજુ સુધી જે મકાનો ખાલી થયા ન હોય તેવા કિસ્સામાં તા.૧૧ જૂનથી કોર્પોરેશન દ્વારા ગટર, પાણી અને લાઈટ જોડાણ કાપી નાખી કડક કાર્યવાહી કરવામાં આવશે. તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.