ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં રામનવમી-હરિનવમી પર્વની ધામધુમથી ઉજવણી
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) સમાજમાંથી વ્યસન-વહેમ-અંશ્રધ્ધા વગેરે દુષણોને દુર કરી શુધ્ધ સનાતન ધર્મની વ્યાખ્યા સમજાવનાર સાથે ભક્તિ અને ઉપાસનાના શુદ્ધ સંપ્રદાયની સ્થાપના કરનાર, તેમજ સમાજ સેવા, પરોપકાર,
દિનદુઃખીયા પ્રત્યે દયા વગેરે સદ્ગુણોના પાઠ શીખવનાર સ્વામિનારાયણ ભગવાનના ૨૪૧મા પ્રાગટ્ય દિવસની પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અને નગરમાં સુખ-શાંતિ સદ્ભાવ પ્રસરે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સાંજે ૮ઃ૦૦ વાગ્યાથી કલા અને સંસ્કારલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે બ્રહ્માનંદ કલાકેન્દ્રના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાગો અને તેની બંદિશો વાજિંત્ર સાથે પ્રસ્તુત કરવામાં આવી હતી. રાત્રે ૧૦ઃ૧૦ વાગ્યે ભગવાનના પ્રાગટ્યની આરતી -પૂજા અને “ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામકી” ના મંગળ ઉદ્ઘોષ સાથે ભક્તો આનંદભેર નાચ્યા હતા.