ગાંધીનગર PDPU કોલેજનો વિદ્યાર્થી એક્ઝામમાં ચોરી કરતાં પકડાઈ જતાં કેનાલમાં કૂદયો
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરની પીડીપીયુ કોલેજનો ૨૦ વર્ષીય યુવાન ગઈકાલે બુધવારે એક્ઝામમાં ચોરી કરતાં પકડાઈ જતાં કોલેજ સત્તાધિશો દ્વારા પરિવારને જાણ કર્યા વિના તેનો મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જેના પગલે યુવાને ઘરે જવાની જગ્યાએ સુઘડ કેનાલમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે હાલમાં અડાલજ પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ચાંદખેડા શરણ રેસિડેન્સિમાં રહેતાં નારાયણ દાસ રેલવેમાં ચીફ રિઝર્વેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
જેમના પરિવારમાં પત્ની અને એકનો એક પુત્ર અમન હતો. ૨૦ વર્ષીય અમન ગાંધીનગરની પીડીપીયુ કોલેજમાં બીટેકનાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે બુધવારે અમન પીડીપીયુ કોલેજમાં પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ દરમિયાન ચાલુ પરીક્ષાએ અમન ચોરી કરતાં પકડાઈ ગયો હતો.
જેથી કરીને કોલેજ સત્તાવાળાએ અમનનો મોબાઇલ પણ જપ્ત કરી લઈ કોપી કેસ કર્યો હતો. આ બનાવના પગલે અમન નાસીપાસ થઇ ગયો હતો અને કોલેજથી નીકળી ઘરે જવાની જગ્યાએ સુઘડ નર્મદા કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
બીજી તરફ અમન મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનોએ તેનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો અને પીડીપીયુ કોલેજ આવીને પણ અમનની પૂછપરછ કરી હતી. ત્યારે જઈને પરિવારને માલુમ પડયું હતું કે અમન સામે કૉલેજ દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો છે અને તેનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો છે.
જે મોબાઇલ કોલેજ સત્તાધીશોએ રાત્રીના ત્રણેક વાગે પરિવારને પાછો આપ્યો હતો અને કોપી કેસની જાણ નહીં કરીને ગંભીર બેદરકારી દાખવી હતી. તેવો આક્ષેપ પણ યુવાનના પરીજનોએ કર્યો છે આથી ઈન્ફોસિટી પોલીસ મથકમાં અમનના ગુમ થયાની જાણ પણ કરવામાં આવી હતી.
આ દરમિયાન કોલેજના સિક્યુરિટી ગાર્ડ સહીત તેના મિત્રોએ શોધખોળ આદરી હતી. ત્યારે સુઘડ કેનાલ નજીકથી તેનું બાઈક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જેનાં પગલે આજે સવારે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જાે કે અમનની લાશ કિનારે તરતી મળી આવી હતી અને પરિવારજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા.