Western Times News

Gujarati News

ગાંધી આશ્રમથી કીર્તિ મંદિર પોરબંદર સુધીની  પ્રાકૃતિક ચિકિત્સા યાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા રાજ્યપાલ

પ્રાકૃતિક ચિકિત્સા પંચ મહાભૂતના સિદ્ધાંત પર આધારિત : પ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા પ્રકર્તિ સાથે જોડાઇને સાત્વિક જીવન અને  નિરામય આરોગ્ય પ્રાપ્ત કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

ગુજરાતનાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ ખાતેથી પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ચિકિત્સા પંચમહાભૂતના સિદ્ધાંત પર આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે, શરીર જલ,વાયુ,પૃથ્વી,અગ્નિ અને આકાશ એમ પાંચ મુળભૂત તત્વોનું બનેલું છે ત્યારે શરીરમાં કોઇ ઉપદ્રવ થાય ત્યારે આ પાંચ તત્વોમાંથી કોઇ તત્વની અસમતુલા સર્જાય છે. તેને સંતુલિનત કરવાની ક્રિયા પ્રાકૃતિક ચિકિત્સામાં રહેલી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના અનુશાસનમાં રહીને પ્રકૃતિને સહાયકારી બનીને જીવન જીવનારા હંમેશા સ્વસ્થ રહે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રકૃતિની સાથે જોડાવું એ જીવન છે અને પ્રકૃતિથી વિમુક્ત થવું એટલે મૃત્યુ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ તકે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા પ્રકૃતિ સાથે જોડાઇને સાત્વિક જીવન અને નિરામય આરોગ્ય પ્રાપ્ત કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિ ચિકિત્સાથી જીવનમાં સાત્વિકતા જળવાય છે એવું ભારપૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ચિકિત્સાથી આદ્યાત્મિક ભાવ, પરોપકાર, અહિંસા, કરૂણા, સત્યા જેવા સદગુણોનો વિકાસ થાય છે. જેના કારણે દ્વેષ, ઇર્ષા જેવા વિચારો કે આતંકવાદ જેવી હિંસાત્મક પ્રવૃત્તિથી છુટકારો મેળવી શકાય છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા રોગ મુક્તિના પોતાના સ્વાનુભવને વર્ણવીને આ ચિકિત્સા પદ્ધતિની મહત્તા સમજાવી હતી.

રાજ્યપાલશ્રીએ મહાત્મા ગાંધીજી દ્વારા પ્રાકૃતિક ચિકિત્સાના કરવામાં આવેલા પ્રયોગો અને ઉરૂલીકાંચનમાં તેમણે સ્થાપેલા પ્રાકૃતિક ચિકિત્સાલયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આ ચિકિત્સા સામાન્યમાં સામાન્ય માનવીને પણ પરવડે તેવી અસરકારક ચિકિત્સા છે. તેમણે આ પ્રસંગે ખોરાકમાં પથ્યાપથ્યને સમજાવી ઉપવાસના ફાયદા પણ વર્ણવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બેટી બચાવો-બેટી પઢાઓ, જળ સંરક્ષણ, નશામુક્તિ, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક કૃષિ જેવા જન અભિયાનો વિશે માહિતી આપી દરેક નાગરિકોને આ અભિયાનમાં જોડાવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જળ-વાયુ અને જમીન સાથે સાથે ખાદ્યાન્નોને પણ દુષિત કરવાથી માનવીનું સ્વાસ્થ્ય જોખમાયું છે. પ્રાકૃતિક કૃષિથી ઝેરમુક્ત ખાદ્યાન્નો મળે છે. સ્વાસ્થ્ય રક્ષા સાથે પર્યાવરણની પણ રક્ષા થાય છે.

સાબરમતી આશ્રમથી શરૂ થઇ રહેલી આ પ્રાકૃતિક ચિકિત્સા આરોગ્ય યાત્રા ગુજરાતના ૧૫ જિલ્લામાંથી પસાર થઇ પ્રાકૃતિક ચિકિત્સા દિન એટલે કે ૧૮મી નવેમ્બરે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સંપન્ન થશે. ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન અને સૂર્યા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી આ યાત્રાને ઓર્ગેનાઇઝેશનના જોઇન્ટ જનરલ સેક્રેટરી ડૉ. વિનોદ કશ્યપે સમાજ સેવક શ્રી જયપ્રકાશ અગ્રવાલ દ્વારા હાથ ધરાયેલી સફળ ઝુંબેશના ભાગરૂપ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રા આવનારા દિવસોમાં યોજાનારી પ્રાકૃતિક ચિકિત્સાની ભારત યાત્રા માટે પ્રેરણારૂપ સાબિત થશે.

આ પ્રસંગે આરોગ્ય ભારતીના પ્રાંત સંરક્ષક ડૉ. ભાસ્કર ભટ્ટ, ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશનના ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ શ્રી જિતેન્દ્ર પંચાલ, સલાહકાર શ્રી મોહનભાઇ પંચાલ, ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ શ્રી હસમુખભાઇ શાહ તેમજ ગાંધી આશ્રમ સાબરમતીના સેક્રેટરી શ્રી અમૃતભાઇ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગાંધી વંદના, પ્રાર્થનાપદોનું ગાન અને મહાત્મા ગાંધીજીને ગમતા વિશ્વકાવ્ય એવા ‘વૈષ્ણવજન’ નું પણ ગાન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.