Western Times News

Gujarati News

ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ માટે મનપા રૂા.ર૭૩ કરોડનો ખર્ચ કરશે

આશ્રમ ડેવલપમેન્ટનો કુલ ખર્ચ રૂા.૧ર૦૦ કરોડ થશે : કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડીયમ વોર્ડમાં આવેલ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમને કેન્દ્ર સરકાર દ્વારા આ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ અને આ વિસ્તારને ગાંધી આશ્રમના આદર્શો અને ગરિમાના મુળ તત્વોને અનુરૂપ સમગ્ર વિસ્તારને વિકસાવવાના હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધી આશ્રમ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે જેના માટે મ્યુનિ. કોર્પો. તરફથી કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી છે સમગ્ર પ્રોજેકટ માટે અંદાજે રૂા.૧ર૦૦ કરોડનો ખર્ચ થશે

જેમાં ડ્રેનેજ, પાણી, રોડ, માટી પુરણી સહિતનો ખર્ચ કોર્પોરેશન ભોગવશે.મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા અનુસાર ગાંધી આશ્રમ પ્રોજેકટ અંતર્ગત આવરી લેવામાં આવેલ વિસ્તારમાં હાલમાં ટીપી ફાઈનલ થયેલ ન હોવાથી અને ટીપી રોડના એલાઈન્મેન્ટ ફાઈનલ થયેલ ન હોવાથી અને સમગ્ર વિસ્તારના લેવલમાં આશરે ૬-૭ મીટર જેટલો લેવલ ડિફરન્સ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પસાઈટ પરથી બાયો-માઈનીંગ મટિરીયલથી તાકીદના ધોરણે સોઈલ સ્ટેબેલાઈઝેશન કર્યા બાદ પુરાણની કામગીરી અત્યંત તાકીદે ચાલુ કરવાની થાય છે.

બાયો-માઈનીંગ મટિરિયલની ગુણવત્તા ચકાસણી અલગ તુમારે અત્યંત તાકીદે કર્યા બાદ પુરાણની કામગીરી ચાલુ કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં ઉપરોક્ત જણાવ્યા મુજબના કામોનો અંદાજીત રૂા.ર૭૩.૦૦ કરોડ જેટલો ખર્ચ થાય તેમ છે. કન્સલ્ટન્ટસ દ્વારા સબમીટ કરવામાં આવેલ પ્રારંભિક અંદાજીત ખર્ચની માહિતી ટી.પી. સ્કીમમાં જે તે સમયના પ્રવર્તમાન ભાવો મુજબ અંદાજીત ખર્ચ રૂા.ર૭૩.૦૦ કરોડની ગણતરી કરવામાં આવેલ છે. વધુમાં હાલમાં સદરહુ વિસ્તારમાં સૌપ્રથમ માટી પુરાણ કરી (સોઈલ સ્ટેબીલાઈઝેશન કર્યા બાદ) તેમાં સૌપ્રથમ ડ્રેનેજ લાઈન નાંખવાની થશે,

ત્યારબાદ સ્ટોર્મ વોટર ડ્રેઈન અને ત્યારબાદ આ પુરાણ કરેલ માટી કામ ઉપર પાણીની લાઈન નાંખ્યા બાદ રોડ બનાવવાનો થાય તેમ છે. સદહુ માટી પુરાણ આશરે ૬ થી ૭ મીટરની ઉંડાઈમાં કરવાનું થશે. અમ. મ્યુનિ. કોર્પો.ના બાયો-માઈનીંગના ચાલુ કામમાં નીકળતા ઈનર્ટ મટીરીયલ્સનો માટી પુરાણ તરીકે ઉપયોગ કરવાનો થાય છે. જેથી સદરહુ ઈનર્ટ મટીરીયલમાં સોઈલ સ્ટેબીલાઈઝેશન માટે લાઈમ તથા સીમેન્ટનો ઉપયોગ કરવાનો થશે. જે માટે અલગ તુમારે લેબોરેટરી ટેસ્ટીંગની કામગીરી શરૂ કરેલ છે.

આમ, આ વિસ્તારમાં સૌપ્રથમ સોઈલ સ્ટેબીલાઈઝેશન કર્યા બાદ માટી પુરાણનું કામ ચાલુ કરવામાં આવશે અને આ માટી પુરાણ કર્યા બાદ ફીનીશ્ડ ગ્રાઉન્ડ લેવલ અને ફીનીશ્યડ રોડ લેવલ નક્કી થયા બાદ તે મુજબ પુરાણ કરેલ માટી ઉપર કોમ્પેકશન કર્યા બાદ ડ્રેનેજ લાઈન, સ્ટોર્મ વોટર ડ્રેઈન, પાણીની લાઈન તેમજ ચંદ્રભાગા વોટર-વે બનાવવાની કામગીરી હાથ ધરવાની થશે અને ત્યાર બાદ રોડ- ફુટપાથ તેમજ સ્ટ્રીટ ફર્નીચરની કાર્યવાહી હાથ ધરવાની થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.