Western Times News

Gujarati News

ગાંધી આશ્રમ તરફથી બે પુસ્તકો યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સનને ભેટ અપાયા

યુ.કે.ના વડાપ્રધાને અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી-મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું :-યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન

ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનને ભેટ સ્વરૂપે અપાયા

યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત શ્રી બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમની સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

શ્રી બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.

યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને ઐતિહાસિક ગાંધી આશ્રમમાં આવેલી મીરા કુટીરની પણ મુલાકાત લીધી હતી. બ્રિટિશ લેડી મેડલીન સ્લેડ જેઓ બ્રિટિશ નાગરિક હતા. તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ગાંધી આશ્રમ આવ્યા હતા અને તેઓ જે કુટિરમાં રહેતા હતા એ કુટીરનું નામ મીરા કુટીર રાખવમાં આવ્યું છે.

વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને લખ્યું કે, ‘મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને ગાંધી આશ્રમમાં આવવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે…’

આ અવસરે ગાંધી આશ્રમ તરફથી ‘ગાઈડ ટુ લંડન’ અને ‘ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન’ એમ બે પુસ્તકો શ્રી જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

આ વેળાએ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે.કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈ, ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ મોદી, સાબરમતી આશ્રમના ડિરેક્ટર શ્રી અતુલ પંડ્યા, ચીફ પ્રોટકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.