Western Times News

Gujarati News

ગાંધી જયંતિએ મુખ્યમંત્રીએ રાજકોટ ગાંધી મ્યુઝિયમ પરના વિશેષ પોસ્ટલ કવર સ્ટેપનું ઈ-અનાવરણ કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજયંતી અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રાજકોટ ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિશ્વ સમક્ષ ગાંધી શાશ્વત મૂલ્યો સાથે રાજકોટ અને ગાંધીજીના સંબંધોને આ કવર વધુ ઉજાગર કરશે

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ રાજકોટમાં જે સ્થળે અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલની જર્જરીત હાલતમાંથી હવે આપણે ગાંધી મ્યુઝિયમ તરીકે તેને વિશ્વકક્ષાના સ્મૃતિ મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી સ્વચ્છતા, ગ્રામોત્થાન, મહિલા સશક્તિકરણ, અસ્પૃશ્યતા નિવારણ જેવા સિદ્ધાંતોથી આત્મનિર્ભરતાના હિમાયતી રહેલા હતા.

આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એજ ગાંધી વિચારોને અનુસરતા જનધન, કન્યા કેળવણી, નલ સે જલ જેવા અનેક પ્રભાવી કાર્યક્રમો અને યોજનાઓ થી આત્મનિર્ભર ભારત બનાવવા કૃત સંકલ્પ છે એમ પણ શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાપાલિકા અને રાજકોટના નાગરિકોને અનુરોધ કર્યો કે, નવા રૂપ રંગથી આકાર પામેલું ગાંધી મ્યુઝિયમ નવી પેઢીમાં ગાંધી વિચાર-આચાર પ્રસરાવતું રહે, લોકો તે મ્યુઝીયમ જોવા આવે અને તેની જાળવણી સુપેરે થાય તેવી ચિરંજીવ સ્મૃતિ રૂપ આ સ્થાન બને તેની કાળજી લેવાય.

મુખ્યમંત્રીશ્રીએ આ સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્ટેમ્પ રિલીઝ માટે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટના મેયર શ્રીમતી બીના બહેન સહિત પદાધિકારીઓ આ અવસરે રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.