ગાંધી પરિવારની ગેરહાજરીમાં કોંગ્રેસી નેતાએ ભોજન સમારંભનું આયોજન કર્યું
નવીદિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી એક પણ દિવસ સરખી રીતે ચાલી શકી નથી. આ ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનો જન્મ દિવસ તાજેતરમાં ગયો હતો. તેમણે ગાંધી પરિવારના સભ્યોની ગેરહાજરી વચ્ચે ભોજન સમારંભ રાખ્યો હતો. રાહુલ ગાંધી શ્રીનગર મુલાકાતે ગયા હતા અને પ્રિયંકા વિદેશમાં છે એવા સમયે આ સમારંભમાં ગાંધી પરિવારના સભ્યો હાજર રહી શક્ય નહોતા. પરંતુ આ સમારંભમાં વિપક્ષના બીજા ઘણાં મોત નેતાઓએ હાજરી આપી હતી. કપિલ સિબ્બલ જી-૨૩ ગ્રૂપના પણ સદસ્ય છે જેનાં પગલે આ પાર્ટી ચર્ચાનો વિષય બની હતી.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનાં આ સમારંભમાં શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, સંજય રાવત, ડેરેક ઓબ્રાયન સહિતના નેતાઓએ હાજરી આપી હતી. કોંગ્રેસનાં ય્-૨૩ ગ્રૂપના ગુલામ નબી આઝાદ, ભૂપેન્દ્ર હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી, શશી થરૂર, સંદીપ દીક્ષિત પણ હાજર રહ્યા હતા.
એક સમાચાર અનુસાર આઅ ભોજન સમારંભમાં કપિલ સિબ્બલે રાજકીય રંગ આપતા જણાવ્યું હતું કે ભાજપ સામે હવે એક મજબૂત મોરચાની જરૂર છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કપિલ સિબ્બલ જે મુદ્દો ઉઠાવે છે તે પક્ષની અંદર હોય કે બહાર તેમની વાત સાથે સહમત તો થવું પડે કારણ કે તે સાચા મુદ્દા છે. કપિલ સિબ્બલ પક્ષના એક વફાદાર સિપાહી છે. પક્ષની અંદર જે બને તે પક્ષનો અંદરનો વિષય છે.
રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે વિપક્ષને એક થવાની જરૂર છે. લાલુપ્રસાદે કહ્યું હતું કે અહીં જે નેતા હાજર છે એમનામાં એ તાકાત છે. તેમણે કપિલ સિબ્બલના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ હંમેશા જરૂરિયાતના સમયે કામ લાગ્યા છે અને જ્યારે કોઈ મુશ્કેલી પડે ત્યારે તેઓ કપિલ સિબ્બલને યાદ કરે છે.